________________
અનુબંધ કરનાર નવા ચોકા નહીં જમાવે પણ બધાને સાંકળશે. એ સાંકળવું એ જ રસ્તો સાચો છે. કોઈ જૂથ સિદ્ધાંતથી વિરોધી હોય તો તેને પ્રેમ રાખીને પણ સાચી વાત કહેવી જોઈએ. કેટલીક વાર અમુક જૂથનો વિરોધ કરતાં, બીજા તેના વિરોધી જૂથવાળા પ્યાર કરવા આવે છે પણ તે વખતે આવી વ્યક્તિ ચેતી જાય છે. એવા ખાસ આશયથી આવેલાની પ્રતિષ્ઠા કરતા નથી, મદદ પણ લેતા નથી.
આજે જૂથોનો જમાનો છે. હમણાં તાર, ટપાલવાળા કર્મચારીઓએ હડતાળ જ તૈયાર કરે છે. દેશના મોટા માણસો એની ગડમથલમાં પડ્યાં છે. આવી રીતે ખેડૂતો જો સંગઠન કરે અને વિચારે કે અમારે અનાજ વેચવું જ નથી. પૈસાની વ્યવસ્થા ગમે તે રીતે કરીશું તો આખો દેશ તોબા પોકારી જાય. પણ આથી તે સાચું સંગઠન નહીં કહી શકાય. બીજાનો પણ વિચાર કરે તે જ સાચું સંગઠન છે. એ ક્યારે બને કે એણે કોઈ સિદ્ધાંત નક્કી કર્યો હોય. આજે કોઈ વ્યક્તિગત રાજા નથી, પ્રજા રાજા છે. તેવા વખતે જોડાણ કરનાર જૂથની જરૂર છે. આપણે જોડાણ કરનાર જીભનું કામ કરવાનું છે. આપણે એકલા છીએ એમ લાગશે ખરું. ક્યારીમાં પાણી વાળનાર એકલા લાગીશું, પણ પછી અનેક બળો કામ કરશે, કામ કરે છે. જગતમાં કોઈ વસ્તુ નથી કે જયાં અક્ષરમાં મંત્ર ના આવતો હોય. કોઈ ચીજ નકામી નથી. ફેંકી દેવા જેવી ચીજ પણ અમુક ઠેકાણે જોડી દો તો તે ઉપયોગી થઈ જાય. એટલે જગતમાં મુખ્ય કામ જોડવાનું છે. બે જુદા પડતા ભાગને જોડીને ઉપયોગી બનાવવા. આમ કરતાં અડઘા પડઘા પડશે. કામનો મોહ છોડવો પડશે. વિરોધ તો આપણે કરવો પડે. તો જ તે જગતને ઉપયોગી એવું કાર્ય કરી શકશે. ગાંધીજીની જીવનકથામાંથી એ દેખાય છે કે, તેમણે કોઈ દિવસ નિરાશા સેવી નથી. કૂચકદમ કર્યું જ રાખી છે. કેટલીય વાર એકલા પડી ગયા છે, છતાં આગેકૂચ કરી છે.
તમારે પણ કોઈ ચોક્કસ સિદ્ધાંત લઈને જવું હશે તો કેટલાંયે ટાંકણાં ખાવાં પડશે. જે જૂથ જામેલું હશે, તેને વિરોધ લાગશે. એટલે તે તમારો વિરોધ કરશે. આડખીલી પણ કરશે. છતાં તમારે એમાંથી આગેકૂચ કરવાની છે. વાણીમાં કડવાશ ના આવે તેની કાળજી રાખવી જોઈએ. જેમ ઉપર કહ્યું કે તમે તમારા વિચારો મોકલવા, મને મૂકતા રહો. વિચારો સાચા હશે તો કોઈને કોઈના હૃદયમાં એ ઊગી જ નીકળશે. ગાંધીજીના વિચારો કોઈને ૮૨
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું