________________
થયા. ખાસ કરીને માનસિંહભાઈએ સામાજિક કુરિવાજો દૂર કરવા ઉપર ભાર મૂક્યો. દીકરીના પૈસા વિધવાના પૈસા બારામાં પટલાઈ વગેરે કૂટનીતિને લીધે કોમ દુ:ખી થઈ રહી છે. તેમાંથી બચવું પોતાના હાથની વાત છે. જ્યાં સુધી તમે નહિ સુધરો ત્યાં સુધી સમાજના શ્રાપ તમને સુખી નહિ કરે એમ ખૂબ ચાબખા માર્યા.
તા. ૨૫, ૨૬-૧૧-૫૭ : ખંભાત
લુણેજથી ખંભાત આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો નવી બંધાયેલી નિશાળ, ધર્મશાળામાં રાખ્યો હતો. સ્થળ શહેર મધ્યમાં હોઈ સભા માટે અનુકૂળ હતું. નવાબના વખતમાં લુણેજ ગામની પાદરમાં પાકો બંધ બાંધી પાટિયાં ચઢાવી પાણી રોકવાનું કર્યું છે. હવે જોકે વિસ્તાર થઈ ગયો છે. એ પાણી ભરાય એટલે ઠેઠ ખંભાત સુધી ગટર કાઢી છે. એ મીઠું પાણી ઠેઠ દરિયામાં ફેંકાય એટલે ખાડી ખોદાઈ - આ યોજના હતી. આ ગટર ઉપર સુંદર બાવળ વગેરે ઝાડી ઊગી છે. અમો દરિયાના કિનારે કિનારે ખંભાત આવ્યા. જોકે દરિયો દૂર છે પણ ભરતી અહીં સુધી આવે છે એટલે જમીન ખારી થઈ ગઈ છે. ધોલેરાનાં જેવો દેખાવ દેખાય છે. અમારા સ્વાગતમાં શિક્ષકો અને સરદાર છાત્રાલયના બાળકો કાર્યકરો આવ્યા હતા. આવીને મહારાજશ્રીએ પ્રાસંગિક કહ્યું હતું. જૈનોએ ઉપેક્ષાવૃત્તિ રાખી હતી. જોકે સ્થાનકવાસી ભાઈ-બહેનોએ ધીમે ધીમે સારો રસ લીધો હતો. ઘણાં પરિચિતો પણ નીકળ્યા, બે દિવસના નિવાસ દરમ્યાન ભરચક કાર્યક્રમો રહ્યા. બંને દિવસની રાત્રિ સભા ધર્મશાળાની બાજુના જવાહર ચોકમાં રાખી હતી. વિષય ધર્મમય સમારચના હતો. બહુ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. બહેનો ઓછાં હતાં. મહારાજશ્રીએ જણાવ્યું કે આજે જગતમાં પાંચ રચના ચાલે છે : (૧) જૂથમય વિશ્વરચના - દા.ત., યુનો - કાશ્મીરનો પ્રશ્ન ન્યાયી હોવા છતાં જૂથબંધીને કારણે ગૂંચવ્યો, (૨) શસ્ત્રમય રાજ્યરચના
રાજ્યો એકબીજાની બીકને કારણે સૈન્ય અને શસ્ત્ર ઉપર આધાર રાખે છ, (૩) અર્થમય સમાજરચના - આજે દરેક પ્રશ્નમાં ગુણને બદલે ધનને પ્રતિષ્ઠા અપાય છે, (૪) કામમય કુટુંબરચના : વિષયવાસના માટે જ સંસાર છે એમ થઈ ગયું છે, (૫) સ્વાર્થમય વ્યક્તિરચના : દરેક વ્યક્તિ પોતપોતાના અંગત સ્વાર્થમાં રાચે છે. ‘વસુધૈવ કુટુંબકમ્'ને બદલે હું અને મારાં છોકરાંમાં બધું સમાઈ જાય છે. બીજે દિવસે આ અંગે વિશેષ કહ્યું હતું.
૧૨૨
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું