________________
તા. ૨૭-૧૨-૫૭ :
આજે સવારે સાડા આઠ વાગે બારડોલી ગામમાં નિવાસ કરવાનો હતો. કસ્બાની બધી શાળાનાં બાળકો સ્વાગત માટે આશ્રમ સુધી સામે આવ્યાં હતાં. ગીતો ગાતાં ગાતાં સરઘસ આકારે સૌ મુખ્ય શાળાએ આવી સભાના રૂપમાં બેસી ગયાં. અહીં મહારાજશ્રીએ તેમને સાચા નાગરિક બનવા, સેવા કરવા, મા-બાપને માન આપવા અને વ્યસનનો ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો હતો. ત્યાંથી ઉપાશ્રયના નિવાસસ્થાને આવ્યા હતા. મંદિર વખતે જૈન ભાઈઓએ ઘણો પ્રેમ બતાવ્યો હતો. ભિક્ષા માટે અનેક ઘેર આગ્રહ થયો. તેમ છતાં ઘણાને નાખુશ કરવા પડ્યા. આજે મણિબહેન ગલિયારા નવસારીથી તેમના કુટુંબ સાથે મહારાજશ્રીનાં દર્શને આવ્યાં. રાત રોકાયાં. તેમણે ખાદી વહોરાવી. વાડીભાઈ જમનાદાસ બપોરે આવ્યા. અંબાલાલ ગાંધી ગઈકાલે આવ્યા હતા. બારડોલીના વિઠ્ઠલભાઈ મહારાજશ્રીના ભક્ત છે. તેમણે બધા મહેમાનોને બાસુદી-પૂરીનું જમણ આપ્યું. સાંજે સરપંચ ભગવતીભાઈને ત્યાં બધાનું ભોજન થયું.
- બપોરે જૈનોની સભા ઉપાશ્રયમાં થઈ હતી. ઘણી સંખ્યામાં લોકો આવ્યાં હતાં.
અહીંના મામલતદાર ઘણા લોકપ્રિય છે. સ્વાગતમાં તેઓ ઠેઠ સુધી સાથે રહ્યા અને કાર્યક્રમોમાં પણ હાજર રહ્યા હતા.
રાત્રે જાહેરસભા ઘણી સારી થઈ. લાઉડસ્પીકર હતું. અમારી સભા બજારમાં થઈ. એક ઓટલા પર મહારાજશ્રી બેઠા હતા કે જે ઓટલા ઉપર સરદાર અને બાપુએ અનેક વાર સભાને સંબોધી હતી. મહારાજશ્રીએ બારડોલીએ સરદારને મદદ કરી, અને સરદારના બારડોલીએ આપેલો ભોગ અને હવે તેની જવાબદારી શું ? એ સમજાવ્યું હતું.
વિજ્ઞાન અને ધર્મ, સાહિત્ય અને ધર્મ, એમાં ધર્મ મોખરે ક્યારે રહે તે સમજાવ્યું હતું. હરિજન સપ્તાહ ચાલે છે તેથી હરિજન પ્રશ્ન અંગે પણ કહ્યું હતું. ધર્મમાં ન અડવું એવું કોઈ ઠેકાણે છે જ નહીં, સગવડિયો ધર્મ રાખ્યો છે.
સભા પછી વિદ્વાન જજે ઉપસંહાર કર્યો હતો. સરપંચે સભાની શરૂઆતમાં મહારાજશ્રીનો પરિચય આપ્યો હતો. સભાને પ્રવચનથી ખૂબ સંતોષ થયો એમ જણાયું. ૧ ૫૬
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું