________________
ગ્રામસંગઠનોને જોર આપવું જોઈએ. જી. જી. મહેતાને એક વાર બોલાવી લાવવા કહ્યું. તા. ૧૩-૩-પ૭ :
આજે ખાંભડાવાળા પિતાંબર પટેલ આવ્યા. ખાંભડામાં કાઠી અને કણબી વચ્ચે ગઈ તારીખ ૧૦મીએ તોફાન થયું અને બંને પક્ષે ત્રણચારત્રણચાર માણસો સારી રીતે ઘવાયા. બંને પક્ષના માણસો દવાખાનામાં અમદાવાદ છે. બંને પક્ષે ફોજદારી કરી છે. કાઠી લોકોનો ત્રાસ વર્ષોથી છે. એ કોમ અજ્ઞાન અને ઝનૂની છે. નાનચંદભાઈને આ તોફાન થવાના ભણકારા વાગતા જ હતા. પિતાંબરભાઈએ કલેક્ટરને અરજી આપી છે. તેમાં કાઠી લોકોના ભૂતકાળના કૌતુક, બળાત્કાર અને ચાલુ ત્રાસ વર્ણવીને રક્ષણ માગ્યું છે. મગનભાઈ પટેલને પણ બધી વાતોથી માહિતગાર રાખ્યા છે. આજે નાનચંદભાઈનો પત્ર સારંગપુરથી હતો. તેમને મહારાજશ્રીએ એવી સલાહ આપી છે કે, બંને પક્ષ સરકારમાં ગયા છે. બંને વર્ગોએ કાયદો હાથમાં લીધો છે એટલે ગામને ઠપકો આપી ઝઘડો આગળ ન વધે તે માટે ટાણેક દિવસના ઉપવાસ કરવા. તેમની ઇચ્છા પર છોડ્યું છે. જરૂર પડે તો જયંતીભાઈને ધોળકાથી બોલાવવા પણ કહ્યું છે.
વીરાભાઈ અને હરિવલ્લભ મહેતા ગુંદીની ચોરી અંગે વાતો કરવા આવ્યા હતા. ચર્ચાને અંતે એમ વિચારાયું કે જે તાળુ ચોર પાછું નાખી ગયો છે તે ચાવીથી ખોલ્યું છે કે તોડી નાખ્યું છે? તેની ઠેઠ થાણે જઈને તપાસ કરવી અને પ્યારઅલી બેંકમાં પૈસા ભરવા ગયેલા કે નહિ (કે સમય થઈ જવાને કારણે કારકુને ના પાડેલી) તેની તપાસ કરવી. જો તાળું ખોલાયેલ હોય તો કોઈ ઘરનો જ માણસ હોય એમ શંકા મજબૂત બને અને એ રીતે તપાસ આદરાય. બપોરના તેઓ ગયા.
આજે ખાંભડાના રહિશ પણ અમદાવાદમાં શિક્ષકની નોકરી કરતા કાઠી મોકાભાઈ મળવા આવ્યા. તેમણે પોતાના કાઠી ભાઈઓ જે રીતનું વર્તન કરી રહ્યા છે તે બદલ ખૂબ દુ:ખ વ્યક્ત કર્યું. આ કણબી અને કાઠીના ધીંગાણામાં પ્રથમ દોષ કાઠીનો હતો એમ કહ્યું. તા. ૩જીએ એક કાઠીએ એક કણબીના છોકરાને મારવા પ્રયત્ન કરેલો. તે ઉપરથી કણબીઓએ કાઠીઓ ઉપર ચેપ્ટર કેસ કરેલો. ત્યારથી કુસંપની હવા ચાલતી હતી.
૭૪
સાધુતાની પગદંડી : પુસ્તક – છ