________________
ઉપર પથ્થર, ધૂળ ફેંકેલાં. મહારાજશ્રી ગયા, ઓરડામાં મુકામ કર્યો. આગેવાનો સાથે સુંદર વાતો થઈ. પછી એક કાઠીભાઈએ મગનભાઈ સાથે ઘણી પ્રશ્નોત્તરી કરી. મહારાજશ્રીએ ખૂબ પ્રેમથી બધી વાતોનો જવાબ આપ્યો અને દેશના હિત ખાતર કૉંગ્રેસને વૉટ આપવા કહ્યું. કૉંગ્રેસની ખામીઓ જરૂર છે, પણ તે તો ગ્રામસંગઠનથી દૂર કરી શકાશે.
તા. ૬-૩-૫૭ : જાળિલા
ખસથી નીકળી જાળિલા આવ્યા. જરા મોડા નીકળ્યા હતા. અંતર છ માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. અહીં કુરેશીભાઈનું પરિણામ જાણવા મળ્યું. તેઓ ૪૦૯ મતે હાર પામતા હતા. પ્રથમ તો માનવામાં જ ન આવ્યું કારણ કે કલ્પનાએ નહોતી. ગામડાંએ સુંદર કામગીરી બજાવી હતી પણ છેલ્લી રાતે અને દિવસે સામા પક્ષ તરફથી વેપારીઓ મારફત જબ્બર પ્રયાસ થયો. કેટલાય વ્યૂહ રચાયા અને ફે૨વી નાખ્યા. વળી રાણપુર ઠીક ૨૨ ટકા જ આવ્યું. ત્યાંના કાર્યકર વાડીભાઈ નિષ્ક્રિય જ રહ્યાં. કોઈ કાર્યકર જાય તો કહી દે અહીં તો ૭૦ થી ૭૫ ટકા પરિણામ છે, ચિંતા કરશો જ નહિ, કોઈની જરૂર નથી. આમ ન તો પોતે પ્રયત્ન કર્યો, ન કોઈને કરવા દીધો. પરિણામ ખરાબ આવ્યું. તેમણે ભાગ્યે જ કોઈ સભા કરી હશે.
અહીં રાણપુર નિવાસી મુંબઈમાં રહેતાં બચુભાઈ દોશી મહારાજશ્રીને મળવા આવ્યા હતા. તેમણે પણ રાણપુર વિશે ઉપરનો જ અભિપ્રાય આપ્યો. બધાંને કામ કરવાની જ ના કહી અને ઉપર ચઢીને કામ કરવા જાય તો ખેડૂત મંડળ અને તાલુકા સમિતિ વચ્ચે થોડું અંતર હતું તે વધવા ભય હતો. સરઘસ પણ એકેય કાઢેલું નહિ.
તા. ૭-૩-૫૭ : પોલારપુર
જાળિલાથી નીકળી પોલારપુર આવ્યા. અંતર સાડા સાત માઈલ હશે. ઉતારો સ્વામીનારાયણ મંદિરમાં રાખ્યો હતો. આગેવાનો સામે આવ્યા હતા. અહીં કુરેશીભાઈ, ફૂલજીભાઈ, ભીમજીભાઈ, બાબુભાઈ મોદી વગેરે મહારાજશ્રીને મળવા આવ્યા હતા. મહારાજશ્રીએ સૌને આશ્વાસન આપી ચૂંટણીની હારથી નિરાશ ન થવાનું કહ્યું હતું. આપણે વધારે જાગૃત બની કામ ક૨વાનું રહેશે. જે ગામો ધાર્યા હતાં તે જ પોલાં નીકળ્યાં એટલે આમ બન્યું.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૪૪