________________
સને ૧૯૫૭ તા. ૧-૧-પ૭ : સોઢી
સાંગાસરથી નીકળી સોઢી આવ્યાં. અંતર પાંચ માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. ઓતારિયાથી કેટલાક ભાઈઓ સાંગાસર આવ્યા હતા. તેઓ સાથે આવ્યા. ગામલોકોએ સ્વાગત કર્યું. તા. ૨૩-૧-પ૭ : પીપળિયા
સોઢીથી નીકળી ઓઢાર પીપળિયા આવ્યાં. અંતર સાત માઈલ હશે. ઉતારો જસમતભાઈને ત્યાં રાખ્યો હતો. બહારગામના આકર, નાવડા, અંકેવાળિયા વગેરે ગામના લોકો પણ આવ્યા હતા. સાંજના તેમની સાથે ગણોતધારા અંગે વાતો કરી હતી. દાનુભાઈને અસંતોષ હતો. તેમની સાથે પણ કેટલીક વાતો થઈ હતી. તા. ૪, ૫-૧-પ૭ : રોજીત
પીપળિયાથી નીકળી રોજીત આવ્યા. અંતર દોઢ માઈલ હશે. ઉતારો ઉપાશ્રયમાં રાખ્યો હતો. વચ્ચે અંકેવાળિયાના લોકો મળ્યા હતા. ત્યાંથી શાપર આવ્યાં. ત્યાં બહેનો, ભાઈઓએ વાજતે-ગાજતે સ્વાગત કર્યું. ગામ વચ્ચે સભા થઈ. જેમાં મહારાજશ્રીએ આજની સ્થિતિ અંગે પ્રવચન કર્યું. દરબારોએ પણ સ્વાગત કર્યું હતું.
રોજીતના પંચાયત ઝઘડાના નિકાલ માટે પ્રયત્ન થયો. રાત્રે સભામાં મહારાજશ્રીએ સંપ વિશે ભાર મૂક્યો. બે એકડા ભેગા થાય તો જ અગિયાર થાય. જો એકડા જુદા જુદા બેસે તો બે એકડે બે થાય. પછી તો મીંડું થઈ જાય. રામાયણમાં બે એકડે અગિયાર થયા. મહાભારતમાં બે એકડે મીંડું થયું. એમ એકડો ગયાનો અને એક એકડો દૂર બેસવાનું કરશે તો શું થશે ? તા. ૬-૧-પ૭ : બેલા
રોજીતથી નીકળી બેલા આવ્યાં. અંતર ચાર માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો હતો. ગામલોકોએ અને બાળકોએ સ્વાગત કર્યું. ગામને પાદરે ઉતાવળી નદી વહે છે. પાણી મીઠું છે. ખાંભડાથી પીતાંબરભાઈ વગેરે આવ્યા હતા. આજે રવિવાર હોવા છતાં શિક્ષક ખાંભડાથી આવી હાજર રહ્યા હતા. બાળકો પણ હતાં. અહીં ચુંવાળિયા કોમની મુખ્ય વસ્તી છે. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૨૩