________________
તા. ૧૨-૨-૫૭ :
શિવાભાઈ આજે બપોરના અઢી વાગે ગયા. આજે અમદાવાદથી સૂટ પહેરેલા એક ભાઈ આવ્યા હતા. કહે, “હું પી.ટી.આઈ. અને ટાઈમ્સનો ખબરપત્રી છું.” મહારાજશ્રી સાથે વાતો કરી. વિશ્વવાત્સલ્ય અંક પણ લાવ્યા હતા. તેમણે કહ્યું, “આપણા આટલા બધા ઉપવાસ થયા છતાં અમદાવાદના છાપાંમાં તેની નોંધ સુધ્ધાં નથી એટલે મને સંદેશો આવ્યો કે, તમે મુલાકાત લો.” મહારાજશ્રીએ વાતો કરી. ગ્રામસંગઠન, કૉંગ્રેસ અને પોતાના સંબંધોની વાત કરી અને બાપુ વખતે લોકસેવક સમાજની જે કલ્પના હતી તે કામ ગ્રામસંગઠન કરી રહ્યું છે, તેની સાથે જે કૉંગ્રેસ છે તેની નવા વરસ પછીથી સત્તાને લીધે થયેલા ફેરફારને લીધે તેની શુદ્ધિ અર્થે આ કામ કરે છે. અને સત્તા ઉપર તો કોંગ્રેસ જ રહે તે યોગ્ય છે. રાજાજી કહે છે તેવો વિરોધ પક્ષ અમે પૂરક, પ્રેરક તરીકે રચી રહ્યા છીએ. એ ભાઈએ પછી એક છાપું આપ્યું હિન્દ' અઠવાડિક હતું. પોતે તેના તંત્રી વ્રજલાલ આર્ય છે તેમ જણાવ્યું. પી.ટી.આઈ. અને ટાઈમ્સના ખબરપત્રીએ કામ હોવાથી મિત્રભાવે મને મોકલ્યો છે વગેરે વાતો કરી. પછી મગનભાઈ વિશે વ્યક્તિગત ખામીઓ મળી શકે તે અંગે જુદી જુદી વાતો કરી પણ મહારાજશ્રીએ સૈદ્ધાંતિક મુદ્દા જણાવ્યા. પછી કુરેશીભાઈના ચારિત્ર્યદોષ અંગે વાતો કરી. તેમને પહેલેથી બધી વાતોના ખુલાસા કર્યા. આ પાછળથી જાણ્યું કે, એ ભાઈ દ્વારકાદાસભાઈની મોટરમાં આવ્યા હતા. તેઓ તેમના તરફથી કદાચ આવ્યા હોય ! બપોરે તેઓ ચા પીને ગયા.
ચા પછી મહારાજશ્રીએ અમને બધાને બોલાવી ખુલાસો કર્યો કે આપણે કંઈ ગુપ્ત રાખતા જ નથી. છતાં જાગૃત રહેવું જોઈએ. હવે તો અવનવા લોકો આવવાના.
મહારાજશ્રીને ઉપવાસના અનુભવ પૂક્યો તો છેલ્લા ઉપવાસ પછી ભૂખ જેવું રહેતું નથી. અશક્તિ આવી જાય છે. પારણાં વખતે ખાવાની ઇચ્છા પણ થતી નથી, પાણી તો પરાણે જ પીવું પડે. ઇચ્છા ન થાય, ખોરાક ભલે પ્રવાહી રૂપે પણ પેટમાં ગયો કે તરત ચેતન શરૂ થાય છે. એથી જ ખોરાકને ભગવાન કહ્યો છે. અહીંના ખેડૂતો ચૂંટણી માટે બહારગામ જઈ આવ્યા. તેમણે રાત્રે હેવાલ આપ્યો. કુરેશીભાઈ, હરિભાઈ, પીપલીયાભાઈ, જસમતભાઈ રાત્રે આવીને ગયા. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૪૧