________________
બરાબર ૮-૩૦ વાગે પ્રાર્થના થઈ. મીરાંબહેને વૈષ્ણવજન ગાયું. ત્યારબાદ અંબુભાઈએ મહારાજશ્રીનું નિવેદન વાંચ્યું અને પછી થોડું પ્રાસંગિક કહેતાં જણાવ્યું કે, આજે કોઈને ખ્યાલ પણ નહિ આવે કે સો-બસો-ત્રણસો માણસની વસ્તીવાળા નાનકડા ગામના એક મકાનના ખૂણામાં પડેલી એક વ્યક્તિ ગામડા અને કોંગ્રેસના સંબંધો માટે આવું ભગીરથ તપ કરી રહી છે પણ એક દિવસ એવો આવશે કે આ જ વાત દેશ અને દુનિયાને માનવી પડશે. મહારાજશ્રી ચાર વર્ણોને ઠેકાણે નવું સૂત્ર આપે છે. બ્રાહ્મણને ઠેકાણે રચનાત્મક કાર્યકર કહે છે. ક્ષત્રિયના ઠેકાણે કૉંગ્રેસના કાર્યકરો અથવા કૉંગ્રેસ અને વૈશ્યને ઠેકાણે ગામડાં અને શૂદ્રોને ઠેકાણે શ્રમજીવીઓને મૂકી, એ ચારેયની કડી સાંધનાર સાધુસંતો છે. જયારે આ કડી તૂટે છે ત્યારે તેઓ અકળાય છે અને આવાં પગલાં લે છે.
નાનચંદભાઈએ બે શબ્દો કહ્યા, “આવી અગ્નિકસોટી ફરી ન આવે તેને માટે આપણે સૌ કામે લાગીએ.'
બાદમાં મહારાજશ્રીનાં પારણાં થયાં. અહીંના લક્ષ્મણભગત જેઓ પણ ત્રણ દિવસથી સહાનુભૂતિમાં મૌન રહીને ઉપવાસ કરે છે, તેમના હાથે પ્રથમ કેરડાંનું પાણી અને મગનું પાણી લીધું. પછીથી સ્થાનિક ભાઈ-બહેનોએ વહોરાવ્યું. આજે તો ફક્ત કેરડાંનું પાણી અને મગનું પાણી જ થોડું લીધું હતું. મહારાજશ્રી તા. ૧૧મીએ અહીંથી ચૂંટણી અંગે જાકલી જવાનું વિચારતા હતા સિવાય કે જો કામ બરાબર ગોઠવાઈ જાય તો અટકી જાય. અંબુભાઈ, નાનચંદભાઈએ કહ્યું, “કામ બરાબર ગોઠવાઈ ગયું છે. તમે ચિંતા ના કરશો. અમે સૌ કામે લાગી જઈએ છીએ.'
ભીમજીભાઈ, અંબુભાઈ, નાનચંદભાઈ સાથે તરત ગામડામાં ગયા. તે જ વખતે વિનોબાજી પાસે રહેતા ભાઈ મહેશ કોઠારી અને તેમનાં બહેન વગેરે મહારાજશ્રીને મળવા આવ્યા. બહેનનો મોટો ભાણો હમણાં જ અચાનક ગુજરી ગયો હતો એટલે આશ્વાસન માટે તેઓ આવ્યાં હતાં. મહારાજશ્રીએ બહુ પ્રેમથી તેમને આશ્વાસન આપ્યું અને સલાહ આપી કે, “હમણાં બીજે સ્થળે રહેવાય તો સારું. જેથી પેલી યાદ ઓછી આવે. મરનારના ગુણો આપણાં જીવનમાં ઉતારીએ અને પ્રભુપ્રાર્થના કરીએ.'
૪૦
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું