Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નમિનાથજી 885
જૈનદર્શન પાસે સર્વજ્ઞ પરમાત્મા દ્વારા આપેલ છ દ્રવ્યો, પંચાસ્તિકાય, નવ તત્ત્વ, ૧૪ રાજલોક, ૧૪ ગુણસ્થાનક, ૧૮ પાપસ્થાનક, નય-પ્રમાણ-નિક્ષેપ, સપ્તભંગી, સ્યાદ્વાદ, અનેકાન્ત વગેરેનું જ્ઞાન હોવાથી નયવિવક્ષા દ્વારા એ વ્યક્તિ અને સમષ્ટિનું યથાર્થ વિશ્લેષણ કરવા માટે સક્ષમ છે. ગમે તેવા નહિ ઉકેલાયેલા પ્રશ્નો-સમસ્યાઓકોયડાઓ પણ સ્યાદ્વાદષ્ટિ અને નયવિવક્ષાથી ઉકેલી શકાય છે. દુનિયામાં સમસ્યા હોય અને તેનુ સમાધાન ન હોય, એવું બને નહિ. રોગ હોય અને ઔષધ ન હોય, એવું બને નહિ માત્ર તેનું જ્ઞાન-આવડત આપણને ન હોય અને તેને કારણે મૂંઝવણ રહે એવું બને.
આ દર્શન જિનેશ્વર પરમાત્માએ આપેલું હોવાથી તે જૈનદર્શન કહેવાય છે. બાકી વાસ્તવિકતાએ તો તે સંપૂર્ણ આત્મવિજ્ઞાન-સ્વરૂપ વિજ્ઞાન જ છે; જેને કોઇ ધર્મ, જાતિ, પંથ, સંપ્રદાય કે દેશ સાથે લાગતું વળગતું નથી અને તેથી જ તે ‘વીતરાગ વિજ્ઞાન’ છે. એ ‘વીતરાગ વિજ્ઞાન' છે એની સાબિતિ એ છે કે એ દર્શનને કોઈ વ્યક્તિવિશેષના દર્શન તરીકે ઓળખાવાયેલ નથી. એ દર્શને સિદ્ધ થવાની પ્રક્રિયામાં ‘અન્યલિંગે સિદ્ધ’નો પણ એક ભેદ મૂકીને જણાવ્યું છે કે અન્યદર્શનના વિકલ્પથી-સાધનાથી પણ વીતરાગ-સર્વજ્ઞ બની સિદ્ધપદ પ્રાપ્ત કરી શકાય છે અને તે માટે કપિલ કેવલી અને વલ્કરચીરીના દૃષ્ટાંતો પણ આપ્યા છે. એટલું જ નહિ પરંતુ પોતાના ધર્મપ્રણેતા તીર્થંકર દેવોને પણ એમના પૂર્વભવમાં નરકગામી બતાવવા દ્વારા વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો છે. વળી વિધિ-નિષેધ પૂર્વકનો કષ-છેદ-તાપની કસોટીમાં ઉત્તીર્ણ થાય એવો નક્કર મોક્ષમાર્ગ પણ બતાવ્યો છે. પ્રતિક્રમણ, પચ્ચખાણ અને આલોચનની શુદ્ધિની પ્રક્રિયા એ જૈનદર્શનની આગવી દેણ છે.
દેહાધ્યાસ એ દ્રવ્યાધ્યાસ છે. દિશા એ ક્ષેત્રાધ્યાસ છે. સમય એ કાળાધ્યાસ છે. આ ત્રણે અધ્યાસ છે, તે સંસારી જીવના મોહભાવો છે.