Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
હૃદય નયન નિહાળે જગધણી
લોક વ્યવહારમાં ભેદાભેદનું જ્ઞાન કરાવવા, પ્રમાણને અનુસરવા નયોની પ્રરુપણા કરવામાં આવી છે, જેથી સર્વનયોથી અને સર્વ પરપદાર્થો અને તેના સઘળા પર્યાયોથી ભિન્ન એવા આત્માનો બોધ સ્પષ્ટ થાય અને તો જ તેવા આત્મતત્ત્વનું શ્રદ્ધાન થઇ શકે અને તો જ તેમાં રમણતા કરી શકાય. બ્રહ્મભાવમાં મહાલવું, સ્વરૂપમાં લયલીન થવું, આત્માના આનંદ સ્વરૂપમાં ચરવું-નિમગ્ન થવું તે જ બ્રહ્મચારીપણું છે અને તેમાં જ આત્માના અનંતગુણોની સ્પર્શનીયતા રૂપ અનેકાન્તિકતા છે. શુદ્ધોપયોગમાં રમણતા રૂપ એકાકારતા છે અને આ જ ગુહ્યતા છે. જગતને માટે અનંતકાળથી આ તત્ત્વ ગુહ્ય રૂપે જ રહેલું છે અને બ્રહ્મમાં ચરવા રૂપ બ્રહ્મચારીપણું અર્થાત્ આત્માના અનંતગુણોમાં રમણતા એ જગતને રોગ તુલ્ય ભારે લાગે છે. આ જ સંદર્ભમાં આત્માને “અલખ-અલક્ષ્ય' કહ્યો છે.
1032
લોક વ્યવહારમાં-સંયમી જીવનમાં સંયમી આત્માઓ માટે બ્રહ્મચર્યની સમાધિના દશ સ્થાનો ભગવાન મહાવીરદેવે ફરમાવેલ છે. સંયમ જીવનની સાર્થકતા માટે બ્રહ્મચર્યની આવશ્યકતા અનિવાર્ય છે. બ્રહ્મમાં ચર્ચા કરવી અર્થાત્ આત્મસ્વરૂપની પૂર્ણપણે પ્રાપ્તિ કરવી એ જ ધ્યેય સાધકનું હોવું જોઇએ. તે માટે ભગવંતે ઉપદેશેલ તત્ત્વમાંથી પોતાને જે અતિ ઉપયોગી હોય તેને ધારી રાખવી અને પૂર્ણપણે આચરણમાં મૂકવી જોઇએ કેમકે અબ્રહ્મચર્યનો પરિણામ એ જડ એવા દેહ અને જડ એવા કર્મના સંસર્ગથી જન્મેલો વિકાર છે, જે શરીરસ્થ છે, વેદ મોહનીય કર્મના ઉદયથી છે, જે માત્ર સંસારને વધારનારો છે, અનેક પ્રકારની આપત્તિઓને લાવનારો છે માટે જ અબ્રહ્મના ત્યાગ દ્વારા અને બ્રહ્મમાં ચરવા દ્વારા સ્વરૂપ-સ્થિરતા કેળવવાની છે.
જગત જે યાલી રહ્યું છે તે પર્યાયથી યાલી રહ્યું છે. દ્રવ્ય તો માત્ર આધારરૂપ છે. પર્યાય છે ત્યાં દ્રવ્ય છે અને દ્રવ્ય છે તો તેનો પર્યાય છે.