Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1076
હૃદય નયન નિહાળે જગધણી
જે શુભભાવરૂપ છે જે બંધમાર્ગ છે જ્યારે નિશ્ચય ચારિત્ર એ આત્માશ્રિત છે જે શુદ્ધોપયોગરૂપ છે અને તેથી સંવર નિર્જરા સ્વરૂપ છે.
‘તપ’ એટલે આત્માથી આત્મામાં તપનપણું અર્થાત્ સ્વથી સ્વમાં વિશ્રાન્ત થયું. તરંગ વિનાના ચૈતન્યનું પ્રતપન એ તપ છે જે સંવર-નિર્જરા સ્વરૂપ છે તપના જે બાર ભેદો બતાવવામાં આવ્યા છે તેની તાત્ત્વિક વિચારણાં કરતાં તે સ્વરૂપમાં સ્થિરતા લાવવા માટે કહેલ છે એમ જણાય છે આમ રાજીમતિએ અહિંસા-સંયમ અને તપ સ્વરૂપ ધર્મના ત્રિવિધ લક્ષણને જાણ્યા.
વળી રાજીમતિને એ પણ સમજાયું કે જે નેમિનાથ ભગવાનના માર્ગે ચાલવા હું ઉત્સાહિત થઇ છું તે માર્ગને આત્મસાત્ કરવામાં અવરોધરૂપ મન-વચન-કાયાના યોગો છે જે આશ્રદ્વારો રૂપ છે. જેના કંપનપણામાં સ્પંદિત થતાં યોગો બંધ-પરિણામને કરે છે જેના ફળ સ્વરૂપે ગતિ અને આયુષ્ય પ્રાપ્ત થાય છે.
મન-વચન-કાયાના આલંબનથી આત્મપ્રદેશોનું કંપન થવું તેને યોગ કહેવામાં આવેલ છે. આ દ્રવ્યયોગ છે. દ્રવ્યયોગ, કર્મ અને નોકર્મના ગ્રહણમાં નિમિત્તરૂપ યોગ્યતાને ભાવયોગ કહેલ છે. યોગના પંદર ભેદોને જાણીને સાધનામાં સ્થિર થવાનું છે જેમાં મનોયોગ ચાર ભેદે છે. વચનયોગ ચાર ભેદે છે અને કાયયોગ સાત ભેદે છે.
ભાવમન શરીસ્થ છે. સંકલ્પ-વિકલ્પમાં અટવાયેલું રહે છે તેની ચાંચલ્યતા બંધ-પરિણામને કરે છે તેથી જ સાધનામાર્ગમાં મનની ચંચળતાને દૂર કરવાનો પુરુષાર્થ કરવાનો છે. જ્ઞાયક આત્મા જ્યારે શુદ્ધ ઉપયોગમાં સ્થિરતા કરે છે ત્યારે યોગોને ગ્રાહ્ય-ગ્રાહકભાવ ન મળવાથી વ્યવહારમાં યોગોને સ્થિર કર્યા એમ કહેવાય છે.
સ્વરૂપ જ્ઞાન અને ધ્યાન એ મોક્ષપુરુષાર્થ પ્રઘાન છે. જ્યારે ત્યાગ-સંયમ-તપ ઇત્યાદિ એ માટેના સાઘન છે.