Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1210 હૃદય નયન નિહાળે જગધણી
થઈને મર્યો. હવે કેવી રીતે ઊંચો આવે? તેનો કોઈ માર્ગ જડતો નથી. છુટવાની ઈચ્છા થવા છતાં સાચો માર્ગ હાથ ન જડ્યો. - “પાણી વલોવ્યું એકલું રે, ચતુર ન ચઢીયો હાથે' એ ઉક્તિને સાર્થક કરી.
“પુદ્ગલ ગણ તેણે લેસુ વિશેષે - આંતરિક તેવા પ્રકારના કર્મનો ઉદય અને બહારમાં તેવા પ્રકારના નિમિત્ત મળવાથી જીવ મન, વચન, કાયાના યોગમાં-વ્યાપારમાં પ્રવર્તે છે અને ત્યારે તેવા તેવા પ્રકારની ભીતરમાં વર્તતી લેશ્યાના આધારે પુદ્ગલકર્મનો જથ્થો-કાશ્મણ વર્ગણાનો સમુહ કર્મરૂપે આત્મામાં એકઠો કરે છે.
યથા શક્તિ મતિ લેખે રે - કર્મ ઉપાર્જન વખતે જીવના જેવા ભાવ-જેવી લેણ્યા હોય તે પ્રમાણે બુદ્ધિ લેખે એટલે પુદ્ગલોને ગ્રહણ કરવાની અનુમતિ આપે છે. કર્મબંધમાં મુખ્ય કારણ તો બુદ્ધિ જ છે. બુદ્ધિના માધ્યમે જ જીવ પ્રાપ્ત સંયોગોમાં લાલચુ બની પોતાને ઠગે છે. જીવ અનંતકાળથી બુદ્ધિનો દુરુપયોગ કરીને પોતાને ઠગતો આવ્યો છે અને અનંતીવાર નરકાદિનો મહેમાન બન્યો છે. ભૌતિક પદાર્થોની પ્રાપ્તિમાં સુખ માનતો અને તેનો લાલચુ બનેલો જીવ, અનંતીવાર સંયોગોથી ઠગાયો છે. સંક્ષીપણું પામી મન, વચન, કાયાનો વ્યાપાર કરી આધ્યાત્મિક જગતમાં અનંતી વાર દેવાળિયો બન્યો છે. શાહુકારીનો વ્યાપાર કરતા તેને આવડ્યો જ નથી. આત્મા અને તેના અનંતગુણો પૈકી, એક એક ગુણોમાં જ સુખ છે અને બહારમાં તો દુઃખ, દુઃખ ને દુઃખ જ છે, એવું શ્રદ્ધાન જાગ્યા વિના શાહુકારીનો વ્યાપાર થઈ શકવો કઠિન છે. સ્વયં તરવાની ભાવના દઢ બન્યા વિના નિમિત્ત કારણો જીવને ક્યારે પણ તારી શકતા નથી.
સહન કરવું, કરી છૂટવું, જતું કરવું તે વૈરાગ્ય છે. નહિતર દેહભાવો છે.