Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી પાર્શ્વનાથજી 1161
અસ્તિકાય. આવા અસ્તિકાય જીવ અજીવાદિ પાંચ પ્રકારે છે માટે પંચાસ્તિકાય શબ્દનો પ્રયોગ છે.
આ વિશ્વ પાંચદ્રવ્યોના સમુહાત્મક છે માટે પંચાસ્તિકાય કહેવાય છે. તેમાં આકાશ અસીમ છે જ્યારે બાકીના ચાર દ્રવ્યો સીમાન્ત છે. વળી તે પાંચ દ્રવ્યો સ્થિર છે કે અસ્થિર ? નિત્ય છે કે અનિત્ય ? સ્થિરત્વઅસ્થિરત્વ એ પ્રદેશને લાગુ પડે છે અને તે ક્ષેત્રથી સંબંધિત છે જ્યારે નિત્યત્વ-અનિત્યત્વ એ ગુણ-પર્યાયને લાગુ પડે છે અને તે કાળથી સંબંધિત છે. જીવ અને પુદ્ગલના પ્રદેશો અસ્થિર છે જ્યારે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને સિદ્ધના જીવોના પ્રદેશો સ્થિર છે. જે ક્ષેત્રથી સ્થિર હોય તે કાળથી નિત્ય જ હોય અને જે કાળથી નિત્ય હોય તે ક્ષેત્રથી સ્થિર જ હોય એવો સિદ્ધાંત છે.
વળી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને સિદ્ધના જીવોના પ્રદેશો સ્થિર છે,, તો તેમના ગુણ-પર્યાય નિત્ય છે અર્થાત્ ગુણ-પર્યાયનો અભેદ છે. પ્રતિ સમયે સદશ પર્યાયની જ સંતતિ ચાલે છે જ્યારે સંસારી જીવ અને પુદ્ગલના પ્રદેશો અસ્થિર છે તો તેના ગુણપર્યાય પણ અનિત્ય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શમાં વર્ણત્વ, ગંધત્વ એ ગુણ છે જ્યારે વર્ણાન્તર, ગંધાન્તર એ પર્યાય છે. જીવના જ્ઞાનમાં જ્ઞાનત્વ એ ગુણ છે જ્ઞાનાંતર એ પર્યાય છે. ક્ષેત્રાંતરતા એ પરિભ્રમણતા છે અને કાલાંતરતા એ પરિવર્તનતા છે.
આ નિયમ જ છે કે જે દ્રવ્યની પ્રદેશપિંડાકૃતિ સ્થિર હોય તેના ગુણ-પર્યાય નિત્ય જ હોય અને જે દ્રવ્યની પ્રદેશપિંડાકૃતિ અસ્થિર હોય તેના ગુણપર્યાય અનિત્ય જ હોય. અનિત્યતા હોય ત્યાં પરિવર્તનતા અને પરિભ્રમણતા હોય જ. નિત્યતા હોય ત્યાં સમરૂપતા અને સ્થિરતા હોય જ.
દેહભાવ એ દેહમાં અભેદબુદ્ધિ છે અને દેહભાન એ દેહમાં સુખબુદ્ધિ છે.