Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1094 , હૃદય નયન નિહાળે જગધણી
આ, છે તો દેવી રાજુલનો નેમિરાજની રાજરાણી બનવા માટેનો વિલાપ. એ વિલાપ-એ વિખવાદ વૈરાગ્ય બની સલાપમાં બદલાઈને વીતરાગતામાં પરિણમિત થાય છે. હતું આર્તધ્યાન, જે ધર્મધ્યાનમાં પલટો ખાઈને શુક્લધ્યાનમાં પરિણમિત થઈ શુક્લદશા-શુદ્ધદશા-શુભ્રતાને પામે છે. કારણકે એ વિલાપ-એ વિખવાદ અવિનાશી એવાં વીતરાગી પરમાત્મા અરિષ્ટનેમિને પામવા માટેનો હતો.
અવિનાશી સાથેનો સંબંધ મિત્રતાનો હોય કે શત્રુતાનો પણ જો. પાત્રતા હોય તો તે અવિનાશી બનાવ્યા વગર રહેતો નથી. શત્રુ એવા ગોશાળાને પણ અવિનાશી એવાં મહાવીર પ્રભુની સાથેના સંબંધોએ સમકિત પ્રાપ્ત કરાવ્યું. અવિનાશીની સાથે જોડાયેલાં આપણા તન-મનધન વચન અવિનાશીતા અર્થાત્ ચિરંજીવતાને પામે છે, કવિ જ્ઞાનવિમલજીની
વીતરાગ એમ જશ સુણીને, રાગી રાગ કરે, આપ અરૂપી રાગ નિમિત્તે, દાસ અરૂપ ધરે; રે મનના મોહનીયા.
આ પંક્તિઓને અત્રે યાદ કરવા જેવી છે કે રાગીનો રાગ રાગી બનાવે અને વિનાશીનો સંગ વિનાશી બનાવે પરંતુ વીતરાગનો રાગ તો વીતરાગી બનાવે અને અવિનાશીનો સંગ અવિનાશી બનાવે ! ભલે ભગવાન અકલ-અરૂપી-અવિનાશી-વીતરાગી રહ્યા પણ એ વીતરાગીનો જશ, એની આદયતા, એની આકર્ષકતા, એનું ગુણસોંદર્ય, એના મુખારવિંદ ઉપર ઝગારા મારતું ઝગમગતું જ્ઞાનતેજ તો ભલભલાને આકર્ષિત કરી, મોહિત કરી, પ્રભાવિત કરી, આશ્રિત બનાવી, રાગી બનાવી, સ્વાશ્રિત, નિર્મોહી, નિરીહ, વીતરાગી, અવિનાશી બનાવે છે. એ જ એ અવિનાશી વીતરાગી સર્વજ્ઞ ભગવાનનો અતિશય છે-પ્રભાવ છે કે જે એના શરણને પામે છે તેને વિભાવમાંથી સ્વભાવમાં સ્થાપિત કરે છે.
સાધન, સાયા ખોટાની તપાસ-ચકાસણી કરતાં તો, સાધનાના સાયા ખોટા પણાની તપાસ મહત્વની છે.