Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી પાર્શ્વનાથજી , 1149
* ન્યાય દર્શન-નૈયાયિક દર્શનને અનુસારે પૂર્વપક્ષી શંકા કરે છે. ન્યાય દર્શન આત્મા અને જ્ઞાનને અત્યંત ભિન્ન માને છે. જ્ઞાન એ સમવાય સંબંધથી આત્મામાં રહેલું છે. જ્ઞાન એ વિશેષ ગુણ છે અને સઘળા વિશેષ ગુણોના ધ્વંસ સ્વરૂપ મુક્તિ છે એમ તે માને છે. એટલે તેના મતે મુક્તિ થતાં આત્મામાં સમવાય સંબંધે રહેલ જ્ઞાન નીકળી જાય છે. તેથી જ્ઞાનના અભાવ સ્વરૂપ પાષાણ તુલ્ય મોક્ષ તેના મતે છે. ન્યાય મતે સર્વદુઃખના અભાવ સ્વરૂપ મોક્ષ છે પણ અનંત આનંદ વેદન સ્વરૂપ મોક્ષ નથી. એટલે કે નૈયાયિકોએ નિષેધાત્મક મોક્ષ માન્યો છે પરંતુ વિધેયાત્મક મોક્ષ નથી માન્યો. ન્યાય મતે કોઈ પણ પદાર્થનું જ્ઞાન થતાં પહેલા આત્મામાંથી તે જ્ઞાનકિરણો નીકળીને પદાર્થ ઉપર છવાઈ જાય છે અને ત્યાર બાદ પદાર્થનું જ્ઞાન થાય છે. આમ પર ક્ષેત્રમાં રહેલા પદાર્થોને જાણવા માટે જ્ઞાનને બીજા ક્ષેત્રમાં જ્ઞાનરશ્મિ વડે ફેલાવું પડે છે અને તેથી પદાર્થનું જ્ઞાન કરવા જતાં જ્ઞાનનું સ્થાન બદલાઇ જાય છે.
- જ્યારે જૈનદર્શન અનુસાર તો આત્મા ગુણી છે અને જ્ઞાન ગુણ છે. બંને વચ્ચે ભેદભેદ છે. “ગુણપર્યાયવદ્ દ્રવ્ય” એ વ્યાખ્યાના અનુસાર દ્રવ્ય એ ગુણપર્યાયવાળું જ છે. આમાં ગુણગુણીભાવે અભેદ છે અને બંને વચ્ચે સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજનભાવે ભેદ પણ છે. આમ જૈનમતે ગુણ-ગુણી વચ્ચે કથંચિત્ અભેદ અને કથંચિત્ ભેદ છે. જેનો તો જ્ઞાનનું અસ્તિત્વ આત્માના બધાંયે અસંખ્ય પ્રદેશોમાં માને છે, તો પછી આ સંગતિ કેવી રીતે થઈ શકશે?
આમ પૂર્વપક્ષ, ન્યાય મતાનુસારે આપત્તિ આપી રહેલ છે અર્થાત્ પૂર્વપક્ષ એમ કહેવા માંગે છે કે પરણેયોને જાણતાં જ્ઞાન પર ક્ષેત્રી બની જશે એટલે જ્ઞાનની નિર્મળતા તમે જે કહી રહ્યા છો તે ઘટી શકશે નહિ.
લક્ષ્યથી, ઋયિથી, સ્મરણથી, રટણથી, પરમાત્મ તત્ત્વ સાથે આપણા જ્ઞાન ઉપયોગનો સંબંધ જોડાય છે અને તે પ્રમાણે આકારો પડે છે, જેના સંસ્કાર ઉંડાણમાં જમા થાય છે.