Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1138
હૃદય નયન નિહાળે જગધણી
અર્થ : પાણીથી ભરેલા વાસણમાં સૂર્યનું પ્રતિબિંબ પડતાં જેમ સૂર્ય અનેક દેખાય છે તેમ શેયો અનેક હોવાથી જ્ઞાન પણ અનેક બનશે. દ્રવ્યનું એકત્વ હોવાથી ગુણોનું પણ એકત્વ ઘટી શકે છે. પોતાના નિજઘરમાં રમણતા કરવામાં જ ક્ષેમકુશળતા છે, સલામતી છે.
વિવેચન : અહિંયા પૂર્વપક્ષી આપત્તિ આપતાં કહે છે કે પાણીથી ભરેલા ભિન્ન ભિન્ન વાસણોમાં સૂર્યનું પ્રતિબિંબ પડતાં અનેક સૂર્યો જણાય છે, તેમ જ્ઞેયો જગતમાં અનેક છે માટે જ્ઞાન પણ અનેક થશે. ભિન્ન ભિન્ન જ્ઞેયોને જાણવામાં જ્ઞાનગુણ પરિણત થવાથી જ્ઞાનગુણ પણ અનેક બનશે અને તેમ થવાથી જ્ઞાનના આધારરૂપ આત્મા પણ અનેક બનશે.
આ આપત્તિને દૂર કરવા યોગીરાજ આનંદઘનજી મહારાજા જણાવે છે કે “દ્રવ્ય એકત્વપણે ગુણ એકત્વતા’” અર્થાત્ દ્રવ્યના અભેદપણાથી ગુણોનું પણ અભેદપણું છે. છએ દ્રવ્યોમાં પાંચ અજીવ દ્રવ્યથી એકમાત્ર જીવ દ્રવ્યની ગુણક્રિયા જુદી પડે છે. આ વિશ્વમાં જેટલા જીવ દ્રવ્યો છે, તે બધાં જ જીવ દ્રવ્યમાં પોતપોતાના અસંખ્યાત પ્રદેશોમાંથી પ્રતિ પ્રદેશે ભિન્ન ભિન્ન એવી જે ગુણક્રિયા થાય છે તેને અભેદભાવે, એકત્વભાવે, અવ્યાબાધપણે પરિણમાવવાની શક્તિ જીવ દ્રવ્યમાં રહેલી છે અને આવી એકત્વભાવે પરિણમાવવાની શક્તિના કારણે જીવ દ્રવ્યમાં જ કર્તાપણું જાણવું જ્યારે અન્ય દ્રવ્યોને ભિન્ન ભિન્ન પ્રદેશે ભિન્ન ભિન્ન એવી ગુણક્રિયા હોવા છતાં તેમાં અભેદભાવે-એકત્વરૂપે પરિણમન ન હોવાથી ત્યાં કર્તાપણું નથી. તેમ જ વળી પુદ્ગલ દ્રવ્યને ગતિ-આગતિ(સ્થિતિ)રૂપ ક્રિયાપણું છે પરંતુ તે કર્તૃત્વભાવે નથી. જ્યારે બાકીના ચાર અજીવ દ્રવ્યોમાં તો ગતિ-આગતિ રૂપ અર્થાત્ એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં જવા-આવવારૂપ ક્રિયાપણું પણ નથી.
જે સુખમાં આસક્ત થતો નથી, તે જ દુઃખમાં દુઃખી થતો નથી. દુઃખને સુખ કરીને વેદવું અને ભયભીત ન થવું; તે જ મોક્ષમાર્ગ છે.