Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1050
હૃદય નયન નિહાળે જગધણી
ઓળંગી જવી. જે આત્માની પરમ વિશુદ્ધિને પ્રાપ્ત કરાવે તે ખરેખર પ્રેમ છે; જે ખરેખર સ્વ પ્રતિ ઢળતાં રાગ, વીતરાગતાની અવસ્થામાં મૂકાતો જાય છે. જ્યારે દુન્યવી રાગ તો દુર્નિવાર છે. સંસારી જીવો બહુલતયા અજ્ઞાન અને મિથ્યાત્વાદિથી યુક્ત છે, તત્ત્વજ્ઞાનથી વિમુખ છે. તેઓની બુદ્ધિ, પ્રેમ, રાગ, કામ્યભાવથી યુક્ત હોવાથી સંસાર સાગરમાં ડૂબાડનાર છે. શરીર પ્રત્યે હોવાથી અશુચિવાળો છે. આમ પણ સંયોગી પદાર્થમાં આત્માની અત્યંત નજદીક પદાર્થ શરીર હોવાથી તે જ કેન્દ્રસ્થાને રહે છે કે જે શરીર મલિન પદાર્થોથી ભરેલ કોથળી સમાન છે. નવ-નવ દ્વાર દ્વારા શરીરમાંથી અશુચિનું વહન સતત થયા જ કરે છે. તેવી જ રીતે રાગાદિ પરિણામો-કષાયો પણ મેલા છે, તેની સાથે થયેલ એકરાગતા જીવાત્માને. અશુદ્ધ કરનાર છે. ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા તો અતિ પવિત્ર છે. શરીરની બાહ્ય દેખાતી શુચિ-પવિત્રતા પણ આત્માની હાજરીના કારણે છે. આત્માથી વિખૂટા પડી ગયેલ શરીરને શરીર નહિં કહેતાં, લાશ કે મડદું કહેવાય છે અને તેના અંતિમ-સંસ્કાર કર્યા સિવાય આ સંસારમાં કોઈનો છૂટકો નથી.
શરીરની પવિત્રતાના મૂળમાં પવિત્ર એવા આત્માની પવિત્રતા છે, તે આત્માની સાથે આત્મીયતા કરી આત્માકાર થયા સિવાય શાશ્વત શુભ્રતા-સ્વચ્છતા-શુદ્ધતા-નિર્મળતા-પવિત્રતાની પ્રાપ્તિ શક્ય નથી. શરીર, ક્રોધાદિ ભાવો બધા આત્મા સાથે હોવા છતાં સ્વભાવથી જ ભિન્ન છે. તેથી જ આ વિનાશી, મલિન, અસ્થિર અને નિર્ગુણ શરીરને સ્થિર, નિર્મળ, અનંત ગુણમય આત્માના ધ્યાનમાં લગાડવું જોઈએ. આત્મા તો સ્વભાવથી જ પવિત્ર છે જ્યારે દેહ તો પવિત્ર થનાર નથી. આ તત્ત્વ રાજીમતને અશુચિ ભાવનાના ચિંતનથી લાધ્યું. કહ્યું છે કે
શબ્દ એ મતિજ્ઞાનનો દ્રવ્ય પર્યાય છે.