Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નેમિનાથજી
1071
જીવનમાં તો એ વિશેષતા છે કે તેઓ પહેલેથી જ પરણ્યા નહોતા અર્થાત્ બાલ બ્રહ્મચારી હતા. ખૂબી તો એ હતી કે રૂપગુણના ભંડાર સમાન રાજકુમારી સામે ચાલીને પત્ની થવા તૈયાર હતી અને તે રૂપે થવામાં પોતાને પરમ ભાગ્યશાળી માનતી હતી ઉપરાંત પાછળના આઠ-આઠ ભવથી પત્ની બનતી આવતી હતી. એ રીતે સ્નેહસંબંધને ટકાવી રાખ્યો હતો. કલ્પના કરી શકાય કે એ અબંધ થવા માટેના કલ્યાણ સંબંધ હતાઋણાનુબંધ હતા.
સ્નેહનું આવું જોરદાર દોરડું કાપવું ઘણું મુશ્કેલ હતું; છતાં શ્રી નેમિપ્રભુએ ક્ષણવારમાં જ તે કાપી નાંખ્યું હતું અને પોતાની વીતરાગતાને જગજાહેર કરી હતી. આ તેમના જીવનની વિશેષતા છે.
તો આ બાજુ જોઇએ તો રાજીમતિ પ્રભુને છોડવા તૈયાર નથી અને તેથી જ છેવટે તેમની પાસે દીક્ષા લે છે અને કેવળજ્ઞાન પામીને પ્રભુ પહેલાં જ મોક્ષે જાય છે. જાણે કે પ્રભુ જેને વરવા ચાહે છે તેને જોવા માટે જ પહેલા મોક્ષે જાય છે! આમ જોતાં તો વીતરાગ પરમાત્મા સાથે નારીનું વર્ણન બેહુદું છે, કઢંગુ છે, દોષરૂપ છે. છતાં રાજીમત અંતે વીતરાગતાને પામે છે માટે તે વર્ણન દોષને બદલે ગુણરૂપ બની જાય છે.
વર્ણન કરનાર કવિનું તાત્પર્ય બંનેના પ્રેમ પ્રસંગોનું રસમય વર્ણન કરવામાં નથી પરંતુ ભવાંતરના બે અવિઘટક પ્રેમીઓ પણ સ્નેહસંબંધ તોડીને કેવી રીતે મોક્ષે જાય છે તે બતાવવામાં છે. વીતરાગતા એ અનેક જન્મોના પુરુષાર્થ પછી મળતી પ્રસાદી છે તેને મેળવનાર આ અદ્ભુત ભાવદંપતીપણાનો અજોડ દાખલો છે તેથી જ્યાં જ્યાં નેમિનાથ પ્રભુનું વર્ણન આવે ત્યારે રાજીમતિની યાદ પણ સહેજાસહેજ આવી જાય છે. જૈનેતર દર્શનમાં પણ કૃષ્ણ અને ગોપીઓના પ્રસંગો છે. જેમાં
જ્ઞાન એ ચૈતન્યનું ચિહ્ન છે અને સુખનું સાધન છે.