Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નેમિનાથજી
943
અર્થાત્ અસ્તિત્વમાં કોઈ કામ કરતા નથી. તે સ્વતઃ સિદ્ધ છે, તે કોઈની અપેક્ષા રાખતું નથી. તે સ્વતંત્ર છે. અર્થાત્ પોતે સ્વયંભૂ છે માટે
સ્વયંસિદ્ધ છે. પોતે પોતાના પોતાપણાથી જ પ્રસિદ્ધ છે. - દરેક દ્રવ્ય સદાય સ્વભાવમાં રહે છે તેથી સત્ છે. દરેક દ્રવ્યના પરિણામ સ્વકાળમાં પોતાનારૂપે ઉપજે છે. પૂર્વ પર્યાયનો નાશ અને ઉત્તર પર્યાયની ઉત્પત્તિનો ક્રમ નિરંતર ચાલવા છતાં દરેક પર્યાયમાં તે દ્રવ્ય પ્રવાહથી એક સરખું પ્રવહે છે, તેથી તે એકરૂપ ધ્રુવ રહે છે. વળી ઉત્પાદ-વ્યય-ધ્રુવપણામાં સમય ભેદ નથી. ત્રણેય એક જ સમયે છે. ઉત્પાદ-વ્યયની પરંપરામાં દ્રવ્ય સદાય સ્વભાવથી એક સરખુ રહેતું હોવાથી દ્રવ્ય પોતે પણ મોતીના હારની જેમ ઉત્પાદ-વ્યયધ્રૌવ્યાત્મક છે. | હે જીવ! તારા દેહરૂપી દેવળમાં રહેલ પુરુષ ચૈતન્ય જે અંતરાત્મ
સ્વરૂપ છે, જે ત્રિકાળી સત્ છે, શુદ્ધ છે, તેનું તું લક્ષ્ય કર ! તે જ સત્ય છે. બહારના તારા આ વિનાશી પ્રાકૃત સ્વરૂપને તું જ નહિ પણ જે ધર્મ(શુદ્ધતા) આત્મામાં દ્રવ્યરૂપે ત્રિકાળ મોજુદ છે તેને તું જો ! તેનું લક્ષ્ય કરી કારણ તારો તે આત્મા જ્ઞાનાનંદથી ભરપુર છે. હે ચેતન! તું સ્વરૂપે ચેતન હોવા છતાં તારી પર્યાયમાં ચેતનતા પ્રગટી નથી કારણ તારે બહિરાત્મદશામાં વિશેષ ઝુલવાપણું થયું છે. તારો સત્ સ્વભાવ તને સમજાયો નથી તેથી હે ચેતના તારા ત્રિકાળી ધ્રુવ આત્મદ્રવ્યનું લક્ષ્ય કરી અને તારી પર્યાયમાં શુદ્ધતાને પ્રગટ કર. તારા પુરુષ ચૈતન્યમાં રમણતા કર. તેમ કરવાથી પર્યાયમાંથી વિકારી ભાવોનો વ્યય થાય છે અને અવિકારીભાવો પ્રગટ થાય છે. વિકારીભાવો જતાં અવિકારીભાવોમાં ત્રિકાળ ટકનાર એવા ધ્રુવદ્રવ્યની પ્રાપ્તિ થાય છે.
આપણામાં વર્તતા મોહાદિભાવો એ લકવા સમાન છે. જેને લઈને સ્વરૂપવેદન અનુભવાતું નથી.