Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી નેમિનાથજી , 1019
દ્રવ્યકર્મો વિદ્યમાન છે, તેનો ઉદય પણ છે. તે ભલે રહો ! તો પણ જ્ઞાની નિરાશ્રવ જ છે કારણકે દ્રવ્યદૃષ્ટિ સ્વરૂપ તરફ છે. કર્મોદયનું કાર્ય રાગ, દ્વેષ કે મોહરૂપ આશ્રવભાવ, તેનો ઉપયોગમાં અભાવ વર્તતો હોવાથી દ્રવ્યકર્મના ઉદયો બંધનું કારણ નથી.
જેમ પુરુષમાં રાગભાવ હોય તો જ જુવાનીને પામેલ સ્ત્રી તેને વશ કરી શકે છે, તેમ જીવમાં આશ્રવભાવ હોય તો જ ઉદય પ્રાપ્ત દ્રવ્યકર્મો નવો બંધ કરી શકે છે.
જ્ઞાની મળ્યા પછી અંતર ક્રિયા ચાલ્યા કરે છે. જ્ઞાનીનો યોગ થયે છતે અને અંતરથી તેની ઓળખાણ થયે છતે, સુપાત્ર જીવને અંતરમાં શુદ્ધિની, ભાવભાસનની, અંતર-સંશોધનની અને સ્વભાવ-સન્મુખતાની ક્રિયા ચાલુ થઈ જાય છે. આ અંતર ક્રિયા તેને છેક કેવળજ્ઞાન સુધીનું લક્ષ કરાવી, હૃદય પલટો કરાવી, દૃઢ અંતરદષ્ટિ કરાવે છે. જ્ઞાની મળ્યા • પછી, જ્ઞાની તરીકે ઓળખાયા પછી અંતરદષ્ટિ ન થાય, તો સમજવું કે હજુ જ્ઞાની ફળ્યા નથી.
અશુદ્ધ નિશ્ચયનયથી વિભાવ ભાવો જીવની પર્યાયમાં થતાં હોવાથી - જીવના જે માનવામાં આવ્યા છે, તેને શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિથી ટાળી શકાય છે. એટલે કે જડ અને ચેતનનું પરિણમન પરસ્પર નિરપેક્ષ અને સ્વતંત્ર છે. જીવના ભાવકર્મ અને દ્રવ્યકર્મ વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે પણ કર્તા-કર્મ સંબંધ નથી. નિમિત્તમાં કારણતા છે પણ કારકતા નથી. નિમિત્ત કાંઈ કશું કરતું નથી. પરંતુ નિમિત્ત વગર ક્યારેય કશું થતું પણ નથી. અભેદ દૃષ્ટિમાં તો કર્તા-કર્મભાવ જ નથી કિંતુ શુદ્ધચેતનામાત્ર જીવ વસ્તુ છે.
મનને પર સમજી મનાતીત થવું તે ઘર્મ છે.