Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
964 હૃદય નયન નિહાળે જગધણી
શાસ્ત્રોમાં જે ક્રમાંકથી તત્ત્વ પીરસાયું છે તે ક્રમાંકનું પણ આગવું મહત્વ ને રહસ્ય છે.
તત્ત્વના યથાર્થ નિર્ણય અને સભ્ય શ્રદ્ધાન વિના જન્મ-મરણનો અંત ક્યારે પણ આવે નહિ. તીર્થકરોના ભવોની ગણત્રી પણ સમ્યગદર્શન પામ્યા પછી જ શાસ્ત્રોએ કરી છે તે પહેલા નહિ. જગત ભલે ગાંડા કહે, નિંદા કરે પણ તત્ત્વનો યથાર્થ નિર્ણય કરીને જ રહેવું જોઈએ.'
આંધળાની ગાયના અલ્લા રખવાળ એ વાત અહીં ધર્મમાં ચાલે તેમ નથી. આ તો જન્મ-મરણ ટાળવાની વાત છે. પરમ સત્ય વીતરાગ ધર્મમાં અંધશ્રદ્ધાથી ધર્મ થઈ જાય તેવું અહીં પોપાબાઈનું રાજ્ય નથી આ તો અનંતા તીર્થકરોએ કહેલ સ્વરૂપ-માર્ગ છે, જે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે. એ સ્વરૂપ-વિજ્ઞાન છે. આત્મ-વિજ્ઞાન છે. જેમાં આંધળી શ્રદ્ધાને કોઈ સ્થાન નથી તેમ તત્ત્વના શ્રદ્ધાનમાં એક અંશ જેટલી કચાશ પણ ચલાવી શકાય તેમ નથી. જ્ઞાનીઓ જાગરણપૂર્વકના આચરણને અધ્યાત્મની કોટિમાં મૂકે છે અને તે જ લોકોત્તર માર્ગ છે. જાગરણ વિનાનું આચરણ ગમે તેટલું ઊંચુ હોય તો પણ તે અભવ્યના નિરતિચાર ચારિત્રની જેમ પ્રશંસનીય નથી અને બહારથી તે આચરણ લોકોત્તર ધર્મનું કહેવાતું હોય તો પણ તત્ત્વથી તે લૌકિક જ છે.
બાપ દાદાના ચોપડામાં લખેલી વાત ન સમજાય તો પણ ત્યાં જીવ કહે છે કે બાપા તો હોંશિયાર હતા તેની ભૂલ હોય જ નહિ ને તે કદી ખોટુ લખે નહિ. મને નથી સમજાતુ એ મારો દોષ છે માટે તે સમજવાનો જ પ્રયત્ન કરે પણ નથી સમજાતુ તેમ માની તેને છોડી ન દે; તેમ તેને ખોટા પણ ન કહે. તેમ પ્રભુના વચનો શાસ્ત્રોના ચોપડે લખાયેલા છે તેને ઉત્તમ આત્માઓ ખોટા છે એમ કદી કહે નહિ. ન
આત્મચિંતા કરે તે સમ્યગ્દષ્ટિ, તન મનની ચિંતા કરે તે મિથ્યાદષ્ટિ.