Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 03
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
1006 ( હૃદય નયન નિહાળે જગધણી
એ તત્ત્વદૃષ્ટિથી વિચારતાં આત્મભાવ નથી પરંતુ પરભાવ છે-પુદ્ગલભાવ છે અને તેથી તે પર સમય છે. શુદ્ધ ચૈતન્યમય આત્મતત્ત્વના લક્ષ્ય વિનાના કોરા શુભભાવો તો જીવે અનંત ભવચક્રમાં અનંતી વાર કર્યા છે. પરસમય અને પરભાવમાં જીવનનો કિંમતી સમય વેડફાઈ રહ્યો છે, તેનાથી સમયે સમયે મિથ્યાત્વનું જ પાન જીવ કરી રહ્યો છે. એ માટે થઈને જ જ્ઞાનીઓએ સૌ પ્રથમ મિથ્યાત્વ નામના ભાવમળનું-ભાવદોષનું પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. મિથ્યાત્વ જેવો આત્માનો કોઈ શત્રુ નથી, મિથ્યાત્વ જેવો આત્માનો કોઈ બીજો રોગ નથી, મિથ્યાત્વ એ મહા અંધકાર સ્વરૂપ છે. મિથ્યાત્વ એ જ ભય છે.
અત્રે મિથ્યાત્વ એટલે વિપરીત પરિણતિ, વિપરીત શ્રદ્ધાન, ઉલટી માન્યતા, અજ્ઞાનયુક્ત ચેષ્ટા વગેરેથી જીવને અતિભારે કર્મબંધ થાય છે. સર્વજ્ઞ કથિત ધર્મમાં વિપરીત માન્યતા રાખવી, પ્રમાણને ગ્રહણ ન કરવું, કેવળ એકાંતને કરવું આ બધું મિથ્યાત્વને પુષ્ટિ કરનારું કહેવાય. જૈન સિદ્ધાંતોનો તલસ્પર્શી અભ્યાસ કર્યા વિના સારભૂત તત્ત્વ પકડાતું નથી.
હું પરનું કાંઈ કરી શકું છું, હું પરને સુખી, દુઃખી કરી શકું છું, પરથી મને લાભ છે; એવી માન્યતા પ્રાણીમાત્રમાં અનાદિકાળથી ચાલી આવી છે. આવી માન્યતા કોઈને શીખવવાથી નથી આવી પણ અનાદિથી છે જ. આવી માન્યતાને વિપરીત શ્રદ્ધાન તરીકે ઓળખવામાં આવે છે અને અધ્યાત્મની પરિભાષામાં તેને અગૃહીત મિથ્યાત્વ કહેવામાં આવ્યું છે. જ્યારે જન્મ થયા પછી કુદેવ, કુગુરુ, વગેરેના પરિચયમાં આવવાનું થાય છે અને તેમની પાસે ઉપદેશ શ્રવણ દ્વારા કુદેવ વગેરેમાં સુદેવની તેમજ અતત્ત્વમાં તત્ત્વની જે બુદ્ધિ થાય છે તે ગૃહીત મિથ્યાત્વ તરીકે ગણવામાં આવ્યું છે.
બાહ્ય ત્યાગ કર્યા પછી, એટલે સાધુવેશ ધારણ કર્યા બાદ, ઉપકરણ-કરણ દ્વારા જાગૃત રહી અંતઃકરણમાં રમે-સ્વરૂપ સ્થિરતા આવે તો તે અપ્રમત્ત અવસ્થા છે, એમ કહેવાય.