________________
મહાન પુરુષાર્થ સંપન્ન છે, છ ખંડ અધિપતિ ચક્રવર્તિ જેવા જેને ઘેર પુત્ર છે, છતાં પણ પ્રબળ અંતરાયને ઉદય થતાં લાંબા સમય સુધી જે વિધિએ શ્રી વૃષભનાથ જેવા પ્રબળ આત્માને તે વળી માત્ર ભિક્ષા જેવા ક્ષુદ્ર પ્રયજન અર્થે ઘેર ઘેર પરિભ્રમણ કરાવ્યું તે પછી અન્ય સામાન્ય મંદ શક્તિવાળા જીવની તો વાત જ શી કરવી? આ ઉપરથી હે જીવ! તે કર્મના ઉદયથી ઉતપન્ન થતા ઉપસર્ગ પરિષહને ધીરજથી સહન કર. એ ઉપસર્ગ પરિષહ કાંઈ નિરંતર રહેતા નથી, તેની પણ અવધિ હોય છે, એમ વિચારી ધીરજ રાખી જેમ બને તેમ એ અનાદિ સંસારદશા આત્માને વિષેથી પરિક્ષીણુપણને પામે તેમ તું પ્રવર્ત! નિશ્ચય કરી એ જ સમ્યક્ સાધનાને તું સાધ! એમાં જ તારું સર્વોત્તમ શ્રેય છે.
હવે એ સમ્યક્દર્શન, ચારિત્ર અને તપ એ ત્રણે આરાધના જીવને જિનાગમના શ્રવણ-મનન-નિદિધ્યાસન–અને અંતે તત્વ નિર્ણયની પ્રધાનતા પૂર્વક થાય છે, અન્યથા વાસ્તવિક થતી નથી, તેથી ગ્રંથકાર જ્ઞાન આરાધનાનું સ્વરૂપ દર્શાવતાં તેની સમ્યક્ પ્રકારે ઉપાસના કરવા શિષ્યને પ્રેરણા કરે છે.
प्राक प्रकाशप्रधान: स्यात् प्रदीप इव संयमी । पश्चात्तापप्रकाशाभ्यां भास्वानिव हि भासताम् ॥ १२०॥
પ્રથમ દશાના સંયમી પુરુષોમાં દેદીપ્યમાન તેજસ્વી દીવા જે જ્ઞાન પ્રકાશ હોય છે, અને તે જ પ્રકાશ ક્રમાનુસાર સ્વાભાવિક સૂર્ય સમાન દેદીપ્યમાન થાય છે.
મોક્ષ સાધક પુરુષે પ્રથમ અવસ્થામાં તેજસ્વી દીપક જેવા હોય છે, જેમ દીપક તેલાદિ સામગ્રીના બળથી ઘટ પટાદિને પ્રકાશે છે તેમ મેક્ષ સાધક આત્મા જિનાગમના બળથી જીવાદિ પદાર્થોને જાણ થાય છે. પછી તે જ સાધક આત્મા ક્રમે કરીને સૂર્ય સમાન તેજ અને પ્રભાને ધારણ કરનાર સ્વાભાવિકપણે થાય છે. જેમ સૂર્ય અનુપમ પ્રતાપી અને સર્વ પદાર્થોને સ્વાભાવિક પ્રકાશક છે, તેમ તે સાધકમુમુક્ષુ જ્ઞાન, તપશ્ચરણદિને ધારક સ્વાભાવિકપણે થાય છે.
સમ્યકજ્ઞાન આરાધનાના આરાધક આત્માને પ્રથમ દશામાં દીપકની ઉપમા કેમ આપી તે ગ્રંથકાર કહે છે –
भूत्वा दीपोपमो धीमान् ज्ञानचारित्रभास्वरः । स्वमन्यं भासयत्येष प्रोद्वमन्कर्मकज्मलम् ॥ १२१ ।।