________________
૮૧
પહેલો પ્રકાશ – જ્ઞાનાચાર
નીકળવા લાગ્યો, ત્યાર પછી મોટી મોટી અગ્નિની જ્વાળાઓ નીકળવા લાગી. તેથી હાથની તાળી આપતા ઘણા કોલાહલપૂર્વક લોકો બોલવા લાગ્યા કે, નક્કી કલ્પાંતકાલના ઘણા કોપાનલથી ભયંકર એવા આ મહાદેવ પોતાના ત્રીજા નેત્રમાંથી નીકળતા અગ્નિથી આને અવશ્ય ભસ્મીભૂત કરી નાખશે. ત્યાર પછી તડ તડ કરતા ફૂટેલા તે લિંગમાંથી વિજળીના ચમકારાની જેમ પહેલા તો જ્યોતિ નીકળ્યો. ત્યાર પછી જેની કોઈ તુલના ન કરી શકે એવી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થઈ. વિસ્મય પામેલા વિક્રમાદિત્ય રાજાએ પુછ્યું કે, હે મહાનુભાગ ! ક્યારેય ન જોયું હોય એવું આ શું છે ? અપૂર્વ એવો આ કયો દેવ પ્રગટ થયો ? ગુરુએ કહ્યું: ત્રણે જગતે જેની સેવા કરી છે, ધરણેન્દ્ર જેનો અદ્ભુત પ્રગટ આડંબર કર્યો છે, જે ત્રેવીસમા તીર્થંકર છે એવા આ દેવાધિદેવ શ્રી પાર્શ્વજિનેશ્વર છે. આ જ દેવ મારી સ્તુતિ આદિને સહન કરી શકે છે. આ પ્રતિમાના સંબંધને રાજા બરાબર અવધારણ કરે, અર્થાત્ આ પ્રતિમાના સંબંધને સાવધાન થઈને સાંભળો
પૂર્વે આ જ અવંતીનગરીમાં ભદ્રાશેઠાણીનો પુત્ર બત્રીસ સ્ત્રીના યોવનરૂપી પરિમલના સર્વસ્વના આસ્વાદની લાલસાથી ભ્રમરની તુલનાને આલંબન કરતો અવંતીસુકુમાલ એ નામથી પ્રસિદ્ધ થયેલો શ્રેષ્ઠી હતો. શાલીભદ્રની જેમ અમર્યાદ ભોગરસ રૂપી સમુદ્રમાં ડૂબેલા તેણે અલ્પ પણ ઘરનો વ્યવહાર ન કર્યો. પરંતુ માતાએ જ ઘરની બધી ચિંતા કરી. કોઈ વખત મોર્યવંશમાં અગ્રેસર સંપ્રતિરાજાને પ્રતિબોધ કરનારા શ્રી આર્યસુહસ્તિસૂરિ ગચ્છથી યુક્ત વિહાર કરતા ત્યાં આવીને ભદ્રા શેઠાણીની અનુમતિ લઈને તેના આવાસની નજીકમાં રહેલી વાહન રાખવાની ઝુપડી (= શાળા)માં રહ્યા. એક દિવસ રાત્રિના સમયે સૂરિ ભગવંત વડે પરાવર્તન કરાતા, કર્ણ માટે રસાયણ સમાન નલિનીગુલ્મ નામના અધ્યયનને સાંભળતો બુદ્ધિશાળી એવો અવંતીસુકુમાલ સાતમાળના મહેલમાંથી નીચે ઉતરીને ઉપાશ્રયના દ્વાર પાસે આવ્યો. જેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું છે એવો તે ગુરુ પાસે જઈને અને નમન કરીને બોલ્યો કે, હે ભગવન્ ! નલિનીગુલ્મ વિમાનની અસાધારણ ઋદ્ધિને જેણે પૂર્વભવમાં અનુભવી છે એવો, જાતિસ્મરણ જ્ઞાનથી તે સુખને યાદ કરતો, સંસારથી પરાંમુખ થયેલો ભદ્રાનો પુત્ર હું ત્યાં જ જવા માટે ઉત્સુક થયેલો છું. હે ભદન્ત ! પૂજ્ય એવા આપ પણ નલિનીગુલ્મ વિમાનમાંથી આવેલા છો ? જો નલિનીગુલ્મ વિમાનમાંથી ન આવ્યા હો તો તેના સ્વરૂપને સારી રીતે કેવી રીતે જાણો ? આચાર્ય ભગવંતે કહ્યું કે, સર્વજ્ઞપ્રણીત સિદ્ધાંતના વચનથી અમે જાણીએ છીએ. તેણે કહ્યું કે, તો પછી કયા ઉપાયથી જલદીથી તે પ્રાપ્ત કરાય ? આચાર્ય ભગવંતે કહ્યું કે, ચારિત્રથી તે જલદી પ્રાપ્ત કરાય. પરંતુ તું સુકુમાર છે અને ચારિત્ર દુઃખે કરી આચરી શકાય તેવું છે. કારણ કે—