________________
બીજો પ્રકાશ-દર્શનાચાર
૧૩૧
માનસિક વેદના પૂર્વક કોઇપણ રીતે કાષ્ઠના પાંજરાની અંદર રહ્યા. અને જેના અંતરમાં ક્રોધ ધમધમી રહ્યો છે એવો કલિંગનો રાજા તેવી અવસ્થામાં રહેલા તે બેને અન્ન માત્ર પણ આપતો નથી. તેથી દયાળુ મનવાળા નજીકમાં રહેનારા લોકો કનકપ્રભ રાજાના ભયથી (સીધે સીધુ અન્ન આપતા નથી પણ) કાગદાનપુણ્ય (શ્રાદ્ધ) નિમિત્તે બહાનાપૂર્વક અન્નની પિંડીઓ દરરોજ આપે છે, ત્યારથી માંડીને લોકમાં પુણ્ય નિમિત્તે વાયસપિંડીકા=શ્રાદ્ધ પ્રવૃત્ત થયું. કારણ કે લોક તાત્ત્વિક પ્રવૃત્તિવાળો નથી હોતો. (પણ ગતાનુગતિક પ્રવૃત્તિ કરનારો હોય છે.) દેવી સહિત પણ રાજાએ આ પ્રમાણે વાયસપિડીકાથી પણ પ્રાણને ધારણ કરતા સમય પસાર કર્યો. અધધ ! મોટાઓને પણ આ કેવી અસાધારણ દુર્દશા. અથવા તો પર્વત, પૃથ્વી અને માર્ગની સ્થિતિ ઊંચી-નીચી હોય છે એ પ્રકૃતિ સિદ્ધ છે તેમ ભવસ્થિતિનું પણ સારા-નરસાપણું પ્રકૃતિથી સિદ્ધ છે. અર્થાત્ ભવ-સ્થિતિ સારી-નરસી હોય છે. જેથી કહ્યું છે કે
को इत्थ सया सुहिओ, कस्स व लच्छी थिराइं पिम्माइं। को मच्चुणा न गसिओ, को गिद्धो नेव विसएसु ? ॥१॥
અહીં આ સંસારમાં કોણ સદા સુખી છે? અથવા કોની લક્ષ્મી અને પ્રેમ સ્થિર છે. કોણ મૃત્યુથી ગ્રહણ નથી કરાયો? અને કોણ વિષયોમાં આસક્ત નથી જ થયો?
હવે કોઈક દિવસે સર્વ અનર્થનું મૂળ આ કોકાશ જ છે એમ અત્યંત ક્રોધથી ઉદ્ધત્ત થયેલા કલિંગ દેશના રાજાએ સર્વસ્વનું અપહરણ કરનારા ચોરની જેમ કોકાશના વધનો આદેશ કર્યો. જેવી રીતે પશુ વધ સ્થાને લઈ જવાય તેવી રીતે રાજાના સુભટો વડે વિડંબના પૂર્વક નગરની અંદર વધસ્થાને લઈ જવાતો કોકાશ પૂર્વના કોઈક શુભકર્મના કારણે અનુકંપા પૂર્વક નગરના લોકો વડે જોવાયો. ત્યાર પછી તેઓએ ભેગા થઈને અત્યંત દબાણ પૂર્વક કલિંગ રાજાને વિનંતી કરી કે, હે રાજન્ ! કૈલાસ પર્વતની લક્ષ્મીના વિલાસનો પરિહાસ કરનારા નિર્મળ યશના પ્રસરને ધારણ કરનારા, સદાય વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા પૂજયપાદની સામાન્ય જનને ઉચિત એવી આ કઈ અસમીક્ષ્યકારિતા=વિચાર કર્યા વિનાની પ્રવૃત્તિ? કિંયાક ફળને ખાવાની ક્રિયાની જેમ વિચાર કર્યા વિનાની પ્રવૃત્તિ પરિણામે હિતકારી નથી જ. કારણ કે
शल्यवह्निविषादीनां, सुकरैव प्रतिक्रिया । सहसाकृतकार्यात्थानुतापस्य तु नौषधम् ॥१॥
શલ્ય, અગ્નિ ( દાહ, જવર) વિષ આદિનો ઉપચાર કરવો હજી સહેલો છે, પરંતુ સહસા કરેલા કાર્યથી ઉત્પન્ન થયેલા પશ્ચાત્તાપનું કોઈ ઔષધ નથી.