Book Title: Acharpradip
Author(s): Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 292
________________ ગ્રંથકારની પ્રશસ્તિ જગતમાં ‘તપા' એ પ્રમાણે પ્રસિદ્ધિને પામેલા શ્રી જગચંદ્ર સૂરિ (તેરમી સદીમાં) થયા. તેના પછી ક્રમે કરીને ઉત્તમ એવા શ્રી દેવસુંદરસૂરિ થયા. તેઓને પાંચ શિષ્યો હતા. તેમાં વિવિધ અવચૂર્ણિરૂપી લહેરીઓને પ્રગટ કરવાથી સાન્વર્થ નામવાળા પહેલા જ્ઞાનસાગર ગુરુ થયા. શ્રુતમાં રહેલા વિવિધ આલાપકોનો ઉદ્ધાર કરનારા સૂરિઓમાં શ્રેષ્ઠ બીજા કુલમંડનસૂરિ થયા. ષડ્રદર્શનવૃત્તિ, ક્રિયારત્ન સમુચ્ચય, વિચારનિચયની રચના કરનારા અને ભુવનસુંદર આદિના વિદ્યાગુરુ એવા ત્રીજા ગુણરત્નસૂરિ થયા. અહાર્ય (=બીજાથી પરાભવ ન પામે તેવા) મહિમાવાળા અને જેમની સંતતિ બંને રીતે (દ્રવ્યથી શિષ્ય પરિવારરૂપે અને ભાવથી જ્ઞાનાદિરૂપે) વૃદ્ધિ પામી એવા ચોથા શ્રી સોમસુંદરસૂરિ થયા. યતિજિતકલ્પની વૃત્તિ રચનારા પાંચમા શ્રી સાધુરત્નસૂરિ થયા કે જેઓએ મારા જેવાને પણ પોતાના હાથના પ્રયોગથી અર્થાત્ આલંબન આપીને સંસારરૂપી કૂવામાંથી બહાર કાઢ્યો. શ્રી દેવસુંદરસૂરિના પટ્ટે યુગપ્રધાન પદવીને ધારણ કરનારા શ્રી સોમસુંદરસૂરિ થયા. તેમના આ પાંચ શિષ્ય હતાં. ૧. મારિ, ઈતિ, દુકાળનું નિવારણ કરવું, હજાર નામોને યાદ રાખવા ઈત્યાદિ કાર્યોથી ચિરંતનાચાર્યના મહિમાને ધારણ કરનારા શ્રી મુનિસુંદરસૂરિ. ૨. સંઘ અને ગચ્છના કાર્યોમાં ઉદ્યમી શ્રી જગચંદ્રસૂરિ. ૩. લાંબા વિહાર કરવા દ્વારા ગણને ઉપકાર કરનારા શ્રી ભુવનસુંદરસૂરિ. ૪. એક અંગ (શરીર)વાળા (અથવા એકવડિયા શરીરવાળા) હોવા છતાં અગિયાર અંગને ધારણ કરનારા શ્રી જિનસુંદરસૂરિ. ૫. ગ્રંથ (રાગ-દ્વેષની ગાંઠ)થી રહિત હોવા છતાં ગ્રંથની રચના કરનારા શ્રી જિનકીર્તિ ગુરુ થયા. આ બધા શ્રી સુગુરુની કૃપાથી વિક્રમના ૧૫૧૬ મા વર્ષે શ્રી રત્નશેખરસૂરિએ આ (આચારપ્રદીપ) સુગમ ગ્રંથની રચના કરી. અહીં ગુણ અને વિજ્ઞાનમાં મુકુટ સમાન એવા શ્રી જિનહંસ ગણિ વગેરેએ સંશોધન, લખવું આદિ કાર્યમાં સાન્નિધ્ય કર્યું. દરેક અક્ષરનું નિરીક્ષણ કરીને આ ગ્રંથનું માન ચાર હજાર પાસઠ અનુષ્ટપુ શ્લોક પ્રમાણ નિશ્ચિત કરવામાં આવ્યું છે. અહીં જે મતિમંદતાથી ખોટું કહેવાયું હોય તેનું વિદ્વાનોએ શુદ્ધિકરણ કરવું. વિદ્વાનોને જય અપાવનારો આ ગ્રંથ ચિરકાળ સુધી જય પામો. આ પ્રમાણે તપાગચ્છરૂપી ગગનાંગણમાં સૂર્ય સમાન શ્રી સોમસુંદરસૂરિના પટ્ટધર શ્રી મુનિસુંદરસૂરિના પટ્ટ ઉપર પ્રતિષ્ઠિત થયેલા શ્રી રત્નશેખરસૂરિએ રચેલો શ્રી આચારપ્રદીપ નામનો આ ગ્રંથ પૂર્ણ થયો.

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310