________________
ઉપદેશમાલા ભાગ-૨ ગાથા-૨૨
૪૫
તેમના કર્મ અને તેમની રુચિથી કરે છે અને મોક્ષના અર્થી જીવો પણ જે કૃત્યો કરે છે, તે ક્ષયોપશમભાવનું કર્મ અને પોતાની રુચિથી કરે છે, તોપણ બુદ્ધિ કર્માનુસારિણી હોય છે, તેથી જેઓને પ્રમાદ આપાદક ક્લિષ્ટ કર્મ છે, તેઓ પ્રમાદથી સંયમજીવન નિષ્ફળ કરે છે અને જેમને ક્ષયોપશમભાવની નિર્મળ મતિ છે, તેઓ નિર્મળતા આધાયક તેવા પ્રકારનાં કર્મોથી પ્રેરાઈને તે રીતે ઉચિત પ્રવૃત્તિ કરે છે. તેથી જેઓ આ ભવમાં ચારિત્ર કે દેશવિરતિ પાળીને દેવભવમાં જનાર છે, તેઓને તે પ્રકારનાં ક્ષયોપશમભાવનાં કર્મો પ્રવર્તક બને છે. તેથી તે પ્રકારની શ્રાવકધર્મની ઉચિત પ્રવૃત્તિ કરીને કે સાધુધર્મની ઉચિત પ્રવૃત્તિ કરીને દેવગતિરૂપ ઉચ્ચ સ્થાનને પ્રાપ્ત કરે છે. વળી જેમનાં કર્મો અત્યંત નિર્મળતર ક્ષયોપશમભાવવાળાં વર્તે છે, તેઓ તે કર્મથી પ્રેરાઈને વિશિષ્ટ પ્રકારના સંયમમાં ઉદ્યમ કરીને મોક્ષ નામના ઉચ્ચતર સ્થાનને પ્રાપ્ત કરે છે, તેથી મોક્ષપ્રાપ્તિમાં પણ તે જીવોનાં તે પ્રકારનાં ક્ષયોપશમભાવવાળાં કર્મ તેમને તેવી ચેષ્ટા કરવાની બુદ્ધિ આપે છે.
વળી જે જીવોનાં તે પ્રકારનાં કર્યો છે કે જેથી મધ્યમભાવને પામીને મનુષ્યભવને પ્રાપ્ત કરે છે, તેથી મનુષ્યભવની પ્રાપ્તિનું કારણ બને તેવા કર્મથી પ્રેરાઈને તેમની તે પ્રકારની પ્રવૃત્તિ થાય છે. વળી જેઓ સંયમાદિ ગ્રહણ કરીને કોઈક રીતે તિર્યંચગતિમાં જવાના હોય તેમનાં કર્મો તે રીતે કૃત્ય કરવાની પ્રેરણા આપે છે. જેમ કુરગડુ મુનિ પૂર્વભવમાં સાધુ હતા, છતાં નિમિત્તને પામીને ગુસ્સો કરીને દૃષ્ટિવિષ સર્પ થયા, વળી કોઈનાં તે પ્રકારનાં કર્મો છે કે જેથી કર્મને વશ થઈને સંક્લેશ કરે છે, તેના કારણે નરકગતિને પામે છે. જેમ મમ્મણ શેઠને ધન પ્રત્યે ગાઢ મૂર્છા થાય છે, તેથી નરકગતિને અનુકૂળ કર્મ બાંધે છે. તેથી જીવનો તે દોષ નથી, પરંતુ કર્મનો જ દોષ છે.
આ રીતે કર્મમાં તરતમતાના અનેક ભેદો છે, તેથી તે તે પ્રકારનાં કર્મોથી પ્રેરાઈને જીવ તે તે પ્રકારના ભિન્ન ભિન્ન ભવોમાં ભમે છે, વળી જે જીવને જે સ્થાનમાં જવાનું છે, તેને અનુરૂપ તેની આચરણા થાય છે, તેથી કર્મથી પ્રેરાઈને તે તે પ્રકારની આચરણા કરીને જીવ તે તે સ્થાનમાં જાય છે.
આથી એ ફલિત થાય કે સર્વત્ર કર્મ અને જીવ ઉભયનો વ્યાપાર છે, તોપણ સંસારના સર્વ પ્રકારના પરિભ્રમણમાં કર્મથી પ્રેરાયેલો જીવ તે તે પ્રકારના ભાવો કરીને તે તે ગતિમાં જાય છે, તેમ જેઓ મોક્ષમાં જાય છે, તેઓ પણ તે પ્રકારનાં ક્ષયોપશમભાવનાં કર્મોથી પ્રેરાઈને તે તે પ્રકારનાં અનુષ્ઠાનો કરે છે. ફક્ત ઉપદેશક આદિ સામગ્રી તે તે જીવને તે તે પ્રકારે પ્રેરણા કરે છે. તેનાથી પ્રેરાયેલા જીવનો તે તે પ્રકારનો કર્મનો ક્ષયોપશમ થાય છે. તેથી ઉચિત પ્રવૃત્તિ કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે અને સંસારના ક્ષેત્રમાં પણ તે તે બાહ્ય નિમિત્તોને પામીને તે તે કર્મ વિપાકમાં આવે છે અને તે તે કર્મના વિપાકથી પ્રેરાયેલો જીવ તે તે પ્રકારે ક્લિષ્ટભાવ કરીને દુર્ગતિમાં જાય છે. તેથી પરમાર્થથી વિચારીએ તો જીવ સિદ્ધના જેવો નિર્દોષ છે, માટે તેનો કોઈ દોષ નથી. જીવની સર્વ અવસ્થાઓ કર્મજન્ય છે, ચૌદ ગુણસ્થાનકો પણ જીવની કર્મજન્ય અવસ્થા છે, સિદ્ધ અવસ્થા જ જીવની પારમાર્થિક અવસ્થા છે, માટે સંસારમાં જે કાંઈ ભાવો થાય છે, તે કર્મને કારણે થાય છે, તેમ ભાવન કરીને કર્મની વિડંબનાથી મુક્ત થવા માટે ઉચિત યત્ન કરવો જોઈએ. એ પ્રકારે પ્રસ્તુત ગાથાનો ઉપદેશ છે. પરિકશા