________________
ઉપદેશામાલા ભાગ-૨ | ગાથા-૩૬૮
૧૯૩
ટીકાર્ય :
ન રોતિ વિદત્તીત્યા પથમાં–માર્ગમાં, યતનાને કરતા નથી=નિર્દોષ પાણીની અન્વેષણા વગેરેને કરતા નથી. વળી તલિકાથી=પગરખાંથી, તે પ્રકારે પરિભોગને કરે છે=માર્ગમાં તેના વગર અર્થાત્ પગરખાં વગર જવાને માટે સમર્થ હોવા છતાં પણ પગરખાં પહેરીને જાય છે. આથી જ=કોઈક પ્રસંગે પગરખાં પહેરે છે, સર્વદા પહેરતો નથી આથી, પૂર્વમાં કહેવાયેલાથી=ગાથા-૩૫૬ના કથનથી, ભેદ છે. અનુબદ્ધ વર્ષમાં=વર્ષાકાળમાં, સ્વપક્ષ-પરપક્ષના અપમાનમાં=સાધુથી ભરેલા ક્ષેત્રરૂપ સ્વપક્ષમાં અને ભીત વગેરેથી ભરેલા ક્ષેત્રરૂપ પરપક્ષમાં જે લાઘવનું કારણ છે એવા ક્ષેત્રમાં, સુખશીલપણાથી વિચરે છે. ૩૬૮ ભાવાર્થ :
ભાવસાધુ ત્રણ ગુપ્તિના અતિશય માટે સમિતિ-ગુપ્તિપૂર્વક ઉચિત પ્રવૃત્તિ કરે છે, તેથી વિહાર વગેરે કરે ત્યારે માર્ગમાં નિર્દોષ પ્રાસુક આહાર-પાણીની અન્વેષણા કરતા હોય છે. જેથી સંયમયોગ શિથિલ થાય નહિ, પરંતુ જે સાધુ સુખશીલ સ્વભાવવાળા છે, તેઓ વિહાર કરતા હોય ત્યારે ગૃહસ્થને તે પ્રકારે સૂચન કરે છે, તેથી તેઓને આહારાદિ લાવી આપે તે પાર્શ્વસ્થા સાધુ છે. વસ્તુતઃ સંયમનું પ્રયોજન ન હોય તો સાધુએ વિહાર જ કરવો જોઈએ નહિ. ક્ષેત્રના પ્રતિબંધના પરિવાર માટે યતનાપૂર્વક નવકલ્પી વિહાર કરવો જોઈએ અને ક્ષીણ જંઘાબળ હોય તો સ્થિરવાસ કરીને પણ નવકલ્પી વિહારની મર્યાદાનું પાલન કરવું જોઈએ અને નિર્દોષ ભિક્ષાની અન્વેષણા કરવી જોઈએ, તેમાં શક્ય યતના કરતા નથી તે પાર્શ્વસ્થા છે.
વળી જેઓ વિહાર વખતે પગરખાં પહેર્યા વગર માર્ગમાં જવા સમર્થ છે, છતાં સુખશીલ સ્વભાવને કારણે વિહાર વખતે પગરખાં પહેરે છે તે પાર્થસ્થા સાધુ છે. આનાથી એ ફલિત થાય કે જેમ ક્ષીણ જંઘાબળવાળા સાધુ નવકલ્પી વિહારના પ્રયોજનનું સ્મરણ કરીને યતનાપૂર્વક એક નગરમાં ક્ષેત્રનું પરાવર્તન કરીને પણ ક્ષેત્રના પ્રતિબંધને ટાળે સંયમની હાનિ ન થાય, તેમ કોઈક શારીરિક સંયોગને કારણે પગરખાં પહેર્યા વગર વિહાર કરવાથી સંયમના યોગો સિદાતા હોય ત્યારે પગરખાં નહિ પહેરવાના તાત્પર્યનું સ્મરણ કરીને અશક્ય પરિહારમાં પગરખાં પહેરે તોપણ અધ્યવસાયની વિશુદ્ધિ હોવાથી સાધુપણાની હાનિ થતી નથી, પરંતુ સુખશીલ સ્વભાવથી પગરખાં ધારણ કરે તો પાર્શ્વસ્થા થાય છે.
વળી વર્ષાકાળમાં સાધુને વિહારનો નિષેધ છે, છતાં જે સ્થાનમાં રહેલ હોય ત્યાં ઘણા સાધુ હોય અથવા તે સ્થાનમાં અન્ય દર્શનના ઘણા સંન્યાસી હોય ત્યારે સુખશીલ સ્વભાવવાળા સાધુ તે ક્ષેત્ર અનુકૂળ ન જણાવાથી વિહાર કરીને બીજા ક્ષેત્રમાં જાય છે, તે પાર્શ્વસ્થા સાધુ છે. વસ્તુતઃ સ્વપક્ષના કે પરપક્ષના સાધુઓના પ્રતિકૂળ વર્તનની ઉપેક્ષા કરીને સંયમમાં દૃઢ ઉદ્યમ કરવો જોઈએ અને વર્ષાકાળમાં જીવરક્ષા માટે ગમનાગમનનો અત્યંત પરિહાર કરવો જોઈએ. ફક્ત શરીરના ધર્મો અર્થે પરિમિત ગમનથી સાધુએ સંયમનું રક્ષણ કરવું જોઈએ. ll૩૬૮મા