________________
૬૨.
રત્નત્રયી ઉપાસના
ત્યારપછી ઈશાનેન્દ્ર સૌધર્મેન્દ્ર કહે છે કે,
થોડીવાર પ્રભુજીને ખોળે બેસાડવાનો લાભ મને આપો.” ઈશાનેન્દ્રની માગણીથી તેના ખોળામાં પ્રભુજીને બેસાડી, સૌધર્મેન્દ્ર વૃષભનું રૂપ કરી, શીંગડામાં જળ ભરી, તે વડે પ્રભુજીને અભિષેક કરે છે. ત્યારપછી આરતી મંગળ દીવો ઉતારીને દેવતાઓ જય જયના નાદ સાથે પ્રભુજીને વધાવે છે. ત્યારબાદ ભગવંતને હાથમાં ધારણ કરી, ભેરી, શરણાઈ વિગેરે વાજિંત્રના નાદ સાથે, વાજતે-ગાજતે માતા પાસે જઈ પુત્રને સોંપી આ પ્રમાણે બોલે છે, “આ તમારો પુત્ર છે, પરંતુ અમારી સ્વામી છે, અમે તેમના સેવક છીએ.” ત્યાર પછી પ્રભુને રમાડવા પાંચ ધાવમાતા સ્થાપીને, બત્રીસ કરોડ સોનૈયા, મણિ, માણેક તથા વસ્ત્ર વગેરેની વૃષ્ટિ કરીને, અધૂરા આનંદને પૂર્ણ કરવા નંદીશ્વર દ્વીપ જાય છે. ત્યાં અઠ્ઠાઈ મહોત્સવ કરી સર્વ દેવો પોતપોતાને સ્થાને જાય છે, અને પ્રભુના દીક્ષા, કેવળજ્ઞાન વગેરે કલ્યાણકોના સમયની રાહ જોતા રહે છે.
છેલ્લે સ્નાત્ર પૂજાના કર્તા પોતાની ગુરુપરંપરા બતાવે છે. તપગચ્છ નાયક વિજય સિંહસૂરીશ્વરના સત્યવિજય પંન્યાસ નામના શિષ્ય થયા. તેમના શિષ્ય કપૂરવિજય મહારાજ, અને તેમના શિષ્ય ખીમાવિય મહારાજ થયા. તેમના શિષ્ય જશવિજય અને તેમના શુભવિજય નામના શિષ્ય થયા. તેમના શિષ્ય પંડિત વીરવિજયજીએ આ સ્નાત્ર પૂજાની રચના કરી છે.
ઉત્કૃષ્ટ કાળે થયેલા ૧૭૦ તીર્થંકરદેવો અને હાલમાં મહાવિદેહક્ષેત્રમાં વિચરતા વીશ વિહરમાન તથા અતીત, અનાગત અને વર્તમાન કાળમાં થયેલા તીર્થંકર ભગવંતોનો આ સર્વ સામાન્ય કળશ છે. જે પ્રાણી આ કળશ ગાશે, તે આનંદ મંગળ પામશે, અને ઘેર ઘેર હર્ષનાં વધામણાં થશે.
હૈયું જ્યારે ભિખારી બની જાય છે ત્યારે સામો પણ તેને ભિખારી લાગે છે.