________________
૮૮૦
રત્નત્રયી ઉપાસના
ટળવળી રહ્યાં હતાં, જેને દેદાર જોઈ બન્નેને ભારે ખુશી થઈ. ઘણા છોકરા છોકરી હોય તેના ઉપર એક વધારે આવે એમાં ખુશી શી ? પણ એકને ત્યાં ધન તો બેશુમાર હતું પણ પુત્ર નહોતો અને બીજાને ત્યાં ધન-પુત્ર બધુંય હતું પણ એકેય પુત્રી નહોતી એટલે બન્નેય હર્ષના માર્યા ડોલવા લાગ્યા. જેને પુત્રી નહોતી તેણે પુત્રી લીધી અને જેને પુત્ર નહોતો તેણે પુત્ર લીધો. છાની રીતે ઘરમાં ખબર આપી અને થાળી વગાડી કે જેથી લોકોને જાણ થાય કે અમુકને ત્યાં પુત્ર પુત્રીનો જન્મ થયો છે. બાળકને મીઠાઈ વહેંચી, ભિક્ષુકોને અન્નદાન દીધાં અને ખુશાલી મનાવી. મુદ્રિકા અનુસાર તેના પાલક પિતાએ પુત્રનું નામ કુબેરદત્ત રાખ્યું અને પુત્રીનું નામ કુબેરદત્તા રાખ્યું.
ક્રમે ક્રમે બન્ને બાળકો મોટાં થયાં. કોઈ વાતની ઉણપ નહોતી, એટલે એ અનેરો આનંદથી ઉછરવા લાગ્યા. ધીરે ધીરે મોટા થયા, વિદ્યાભ્યાસ કર્યો અને વિવિધ કળામાં પ્રવીણતા પ્રાપ્ત કરી. તે વખતે બન્નેની વય લગભગ સોળ વર્ષની હતી, એટલે યુવાનીમાં પગરણ મંડાઈ ચૂક્યાં હતાં.
પુત્રીના પાલક પિતાએ પુત્રીના માટે યોગ્ય વરની તપાસ કરી તો કોઈના દેદારમાં દેવાળું હતું, કોઈનું નાક બન્યું હતું, તો કોઈ ઠીંગણો કદરૂપો હતો અને કોઈ રૂપે રૂડો હતો તો બુદ્ધિમાં ઢ હતો, એટલે આખી સૌરીપુરીમાં કોઈ વર પસંદ ન પડ્યો. આ તરફ કુબેરદત્તનો પાલક પિતા પણ સારી કન્યા શોધવામાં પડ્યો હતો, ત્યાં પણ એમ જ બન્યું. કોઈ કન્યા રૂપાળી ત્યારે કોઈ બુદ્ધિમાં મોળી હતી, કોઈ બુદ્ધિશાળી હતી તો રંગે શામળી હતી. બીજીમાં બુદ્ધિ અને રૂપ બન્ને હતા પણ દેખાવ બેડોળ હતો. એટલે એકેય કન્યા તેને પસંદ ન પડી. બન્નેને ચિંતા થઈ પડી. સરખે સરખી જોડી હોય તો જ શોભે. લાકડે માંકડું વળગાડી દેવામાં કઈ મજા નહિ, એવી બન્નેયની માન્યતા હતી. રૂપ બુદ્ધિ અને કળા આ બધી વસ્તુનો મેળ મળવો એ બહુ કઠીન હોય છે.
કુબેરદત્તના પિતાએ વિચાર કર્યો કે કુબેરદત્તા જ એને માટે યોગ્ય છે. રંગે રૂપાળી અને બુદ્ધિશાળી છે, તેણે કુબેરદત્તાના પાલક પિતાને વાત કરી. તે પણ તે જ ચિંતામાં હતો. તેણે કહ્યું: “હું પણ યોગ્ય વરની તપાસમાં હતો. પણ હજી સુધી આ ચતુર કન્યાને યોગ્ય કોઈ વર મારા જોવામાં નથી આવ્યો. સારું થયું તમે આવી પહોંચ્યા. તેજ વખતે નક્કી કરવામાં આવ્યું. ગોળ ધાણા વહેંચાયા અને ચાંલ્લા કર્યા. કુબેરદત્તનો વિવાહ કુબેરદત્તા સાથે કરવામાં આવ્યો.
હળવાશથી કહો તો કોઈની સાથે કડવાશ નહી થાય.