________________
તત્વ શાસ્ત્ર : પપાતિક સૂત્ર
૯૫
શાસનના નાયક, ચોત્રીસ અતિશય, પાંત્રીસ સત્યવચનાતિશય યુક્ત હતા. આકાશગત ચક્ર, છત્ર, ચામર, સ્વચ્છ સ્ફટિક યુક્ત પાદપીઠ-સિંહાસન અને ધર્મધ્વજ તેમની આગળ ચાલી રહ્યા હતા.
આ પ્રકારે શ્રમણ ભગવાન મહાવીર ૧૪,૦૦૦ સાધુ, ૩૬,૦૦૦ સાધ્વીજીઓના પરિવાર સહિત વિચરતાં, ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ચંપાનગરીની બહાર ઉપનગરમાં પહોંચ્યા. ૧૨. સૂચના અને વંદન :- કણિકને પોતાના સેવક દ્વારા સૂચના મળી કે આપ જેમની આકાંક્ષા કરો છો, પ્રાર્થના કરો છો, જેનું નામ સાંભળવા માત્રથી હર્ષિત થાવ છો તે જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ચંપાનગરીના ઉપનગરમાં પધાર્યા છે. આ સાંભળીને કુણિક રાજા અત્યંત પ્રસન્ન થયા. તેના રોમરોમ ખીલી ઉઠયા. તે આદરપૂર્વકસિંહાસન ઉપરથી નીચે ઉતર્યા. પાદુકા, છત્ર, ચામર, તલવાર એવં મુગટ આદિ રાજચિહ્નોને ઉતારી (અલગ કરી) જે દિશા તરફ ભગવાન મહાવીર બિરાજી રહ્યા હતા તે તરફ ૭-૮ પગલા આગળ ચાલીને ભક્તિભાવ યુક્ત હાથ જોડી ડાબો ઢીંચણ ઊંચો રાખી બેઠા; બેસીને ત્રણ વખત મસ્તક ભૂમિ ઉપર અડાડી પ્રથમસિદ્ધને અને ત્યાર પછી મહાવીર સ્વામીને નમોત્થણના પાઠથી વંદન-નમસ્કાર કર્યા. ત્યાર પછી પૂર્વાભિમુખે સિંહાસન પર બેસી તેમણે એક લાખને આઠ રજત મુદ્દાઓ ભેટ સ્વરૂપે સેવકને પ્રદાન કરી; તદુપરાંત ઉત્તમ વસ્ત્રાદિથી સત્કાર કરી કહ્યું– “હે દેવાનુપ્રિય! જ્યારે પ્રભુ ચંપાના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધારે ત્યારે સૂચના કરજો.'
બીજે જ દિવસે ભગવાન મહાવીર શિષ્ય પરિવાર સાથે ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા. ૧૩. શ્રમણ ભગવાન મહાવીરની સંપદા :- શ્રમણ ભગવાન મહાવીરના ૧૪,૦૦૦ અંતેવાસી શિષ્ય હતા. તેમાં કેટલાક રાજા, મહારાજા, મંત્રી, મહામંત્રી, શેઠ, સાર્થવાહ, કુમાર, રાજકર્મચારી, સુભટ, યોદ્ધા, સેનાપતિ, અધિકારી, શેઠ, ગર્ભશ્રીમંત શેઠ, આદિ ઉત્તમ જાતિ-કુળ-ગુણ યુક્ત હતા. જેઓએ સંસારી ભોગ સુખોને કિંપાક ફળ સમાન દુઃખદાયી જાણી, જીવનને પાણીના પરપોટા સમાન, ઝાકળ બિંદુની જેમ નાશવંત, ચંચળ જાણી પ્રાપ્ત ઋદ્ધિ-સંપદા, ઘર-પરિવારનો ત્યાગ કરી, જાણે કે બધી સાંસારિક સમૃદ્ધિ વસ્ત્ર ઉપર લાગેલી રજની સમાન ખંખેરી, ત્યાગ કરી, મુંડિત થઈ, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સમીપે આત્મકલ્યાણની સાધના માટે શ્રમણ દીક્ષા અંગીકાર કરી. જેમાંના કેટલાકને પ્રવ્રજયા અંગીકાર કર્યાને માસ, અર્ધમાસ, બે-ત્રણ-ચાર માસ થયા હતા. કેટલાકને તેથી વધુ માસ કે વર્ષો થયા હતા અર્થાત્ વિભિન્ન દીક્ષા પર્યાયવાળા અનેકાનેક શ્રમણો હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org