Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
સૌથી પ્રથમ દંભત્યાગ બતાવેલો છે. જેવા હોઈએ તેવા નહિ દેખાવું. ન હોઈએ તેવા દેખાવા પ્રયત્ન કરવો તે દંભ
ખોટી પ્રશંસા વખતે મૌન રહીએ તો પણ દંભ છે.
સરળતા વિના મુક્તિ તો શું, સમકિત પણ ન મળે. દંભ અવિશ્વાસનું કારણ બને છે; દુનિયામાં પણ.
આત્માનુભવાધિકારમાં સાધકને છેલ્લે ૨૯ શિખામણો આપવામાં આવેલી છે. એકેક શિખામણ જીવનમાં ઉતારવા જેવી છે.
(૧) કોઈની પણ નિંદા નહિ કરવી.
(૨) પાપી પર પણ ભવસ્થિતિ વિચારવી. સાધનાને નિંદા કલંકિત કરી નાખતી હોય છે.
પૂ.પં. ભદ્રંકરવિજયજી મ.સા., પૂ. કનક - દેવેન્દ્રસૂરિજી મ.સા. પાસે વર્ષો સુધી રહ્યા છીએ, પણ કદી કોઈની નિંદા સાંભળી નથી.
નિદા કરવી એટલે પોતાની પુણ્યની મૂડી હાથે કરીને વેડફવી.
યુધિષ્ઠિરના મુખમાં કદી નિંદા નહોતી. કારણ કે તેની નજરમાં કોઈ દોષી નહોતો. નિંદા હટાવવા ગુણાનુરાગ જોઈએ. ગુણાનુરાગ હોય ત્યાં નિંદા ફરકી શકતી નથી. | મુંબઈમાં હજારો દુકાનો છે. કોઈ દુકાને તમે ગયા છો ને અમુક વસ્તુ તમને નથી મળતી તો તમે તે તે દુકાનની નિંદા કરવા નથી લાગતા. બીજી દુકાને પહોંચો છો. તેમ કોઈ સંભવિત ગુણ આપણને ક્યાંક જોવા ન મળે તો તેની નિંદા કરવાની જરૂર નથી. સામી વ્યક્તિ કાંઈ તમારી અપેક્ષા પૂરી કરવા બંધાયેલી નથી.
જેના દુર્ગુણો અને દોષોની આપણે નિંદા કરીએ તે જ દોષો અને દુર્ગુણો આપણામાં આવશે. ચોર અને ડાકુઓને તમે કદી ઘરમાં બોલાવો છો ? દોષ ચોર અને ડાકુઓ છે. મારામાં છે તેટલા દોષો પણ હું સંભાળી શકતો નથી, તો બીજાને શા માટે બોલાવું ?
૩૪
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧