Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
મનને વિકૃતિયુક્ત બનાવે તે વિકૃતિ - વિગઈ. વિગતિ (વિગઈ)થી બચવું હોય તો વિગઈથી બચવું જોઈએ. વિકૃતિની પ્રકૃતિ જ મોહ પેદા કરનારી છે. વિકૃતિ વાપરીને સાધક મોહનો જય ન કરી શકે.
- ભક્તિ : ચિત્તને વિકૃતિ-રહિત બનાવવા વિકૃતિ (વિગઈ)નો ત્યાગ જરૂરી છે તેમ ભગવાનની ભક્તિનો આદર જરૂરી છે.
નવકારનો “ન” પણ અનંત પુણ્યરાશિનો ઉદય થાય ત્યારે મળે છે. અહીં તો આપણને પૂરો નવકાર મળ્યો છે. પુણ્યોદયનું શું પૂછવું ?
એકબાજુ દુનિયાની બધી જ સંપત્તિ મૂકવામાં આવે ને બીજી બાજુ માત્ર પ્રભુનું નામ મૂકવામાં આવે. બંનેમાંથી કોણ ચડે ?
જીંદગી આખી ધન-ધન-ધન કરતાં મરી ગયેલા મમ્મણને પૂછી જુઓ. ધનની ઉપેક્ષા કરી સામાયિક કરતા પુણિયા શ્રાવકને પૂછી જુઓ.
નવકાર મંત્રમાં પ્રભુના કોમન-સામાન્ય નામો છે. જેમાં બધા જ અરિહંતો, સિદ્ધો આદિ પંચ પરમેષ્ઠીઓ આવી જાય. નવકાર ગણવા એટલે ભગવાનના ચરણોમાં માથું મૂકી દેવું.
જેઓ સર્વવિરતિ સુધી પહોંચવા માંગતા હોય ને પહોંચી શકતા ન હોય તેઓ નવકારનું પ્રભુ-નામનું શરણું સ્વીકારી જુએ. પ્રભુ-નામથી કે પ્રભુ-મૂર્તિથી કોઈનું કલ્યાણ થયું છે ? એમ તમે પૂછતા હો તો મારું નામ પહેલું લખાવું. મને અહીં સુધી પહોંચાડનાર પ્રભુ-નામ અને પ્રભુ-મૂર્તિ છે.
મુંબઈ વગેરેથી તમે આટલી મોટી સંખ્યામાં અહીં કેમ આવો છો ? હું તો માનું છું : પ્રભુ મોકલી રહ્યા છે. પ્રભુ મોકલતા હોય તેમનું અપમાન શી રીતે થાય ?
મુંબઈથી તમે અહીં આવ્યા તો તમારી પેઢી બંધ કરીને આવ્યા? તમારા નામથી ત્યાં પેઢી ચાલે છે ને? ભગવાન મોક્ષમાં ગયા પણ એમની પેઢી અહીં ચાલે છે. એમના નામથી ચાલે છે. તમારા નામથી પેઢી ચાલે તો ભગવાનના નામથી ન ચાલે?
૨૮૬
* * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧