Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
સિંહ જેવા પરિણામો જ્યારે શિયાળ જેવા બનવા લાગે ત્યારે એને ટકાવનાર ધર્મશાસ્ત્રોનો ઉપદેશ છે, મહાપુરુષોના નામ છે.
ગુરુકુલવાસનો સૌથી મોટો લાભ રોજ સવારે ગુરુના દર્શન મળે તે છે. રોજ પુણ્યના ભંડાર ભરાય. નમસ્કાર ભાવ પુણ્યનું પરમ કારણ છે.
આપણો વિનય જોઈ બીજા વિનય શીખે. બીજા પણ ગુરુકુલવાસ સેવે. ચારિત્રમાં પણ સ્થિરતા રહે, વૃદ્ધોની પાસે રહેવાથી સંયમ સુરક્ષિત રહે. એ પણ ગુરુકુલવાસનો મહાન લાભ છે.
આ દીક્ષા જ્ઞાનાદિની સાધના માટે લીધી છે, તે ગુરુસેવાથી જ થઈ શકે.
વિશુદ્ધ સંયમથી યોગ્ય શિષ્યો મળે ને તેઓ પણ ગુરુની જેમ નિર્મળ આરાધના કરે. આથી જન્માંતરમાં પણ શુદ્ધ માર્ગની પ્રાપ્તિ થાય. આ જન્મમાં મળેલો શુદ્ધ માર્ગ સૂચવે છે કે પૂર્વજન્મમાં આપણે સંયમની વિશુદ્ધ સાધના કરી છે. | શુદ્ધિ અને અશુદ્ધિના સંસ્કારો જન્માંતરો સુધી ચાલતા હોય છે. ચિલાતીપુત્ર ઈત્યાદિના ઉદાહરણો આપણે જાણીએ છીએ.
ગુરુકુલવાસ મોક્ષનું મુખ્ય કારણ છે. કારણ કે મોક્ષમાર્ગરૂપ રત્નત્રયી ગુરુકુળવાસથી જ મળે છે.
ભગવાન મહાવીરના ૭૦૦ સાધુ, ૧૪૦૦ સાધ્વીઓ, ગૌતમસ્વામીના ૫૦ હજાર શિષ્યો મોક્ષમાં ગયા છે તે આ વિશુદ્ધ સંયમના બળે ગયા છે. તો સંયમની વિશુદ્ધિમાં ઉપેક્ષા શી રીતે કરાય ?
અધ્યાત્મ ગીતા :
જ્ઞાનાદિને ઉવલ બનાવવા અધ્યાત્મ-યોગ જોઈએ. મન આદિ ત્રણનો શુભ વ્યાપાર તે અધ્યાત્મ યોગ.
જેટલા અંશે આત્માની રુચિ, તેટલા જ અંશે તેની જાણકારી. જેટલા અંશે જાણકારી, તેટલા જ અંશે તમે તેની રમણતા કરી શકો. આમ રુચિ, જ્ઞપ્તિ અને રમણતા ઉત્તરોત્તર અવલંબિત છે.
૫૫૮ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧