Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી સવાસો ગાથાનું સ્તવન : ઢાળ પહેલી જેવા દેખાતા (બલ્ક કદાચ અધિક દેખાતા) એવા કુગુરુ તેઓના હાથમાં આવી જાય છે. જેમ સો, પાંચસો રૂપિયાની સાચી નોટના જેવા જ રંગ ચિત્રામણ અને આકાર વાળી ખોટી નોટ હાથમાં આવી જાય છે. અને લેનાર જીવ છેતરાઈ જાય છે. તેવી જ રીતે મુમુક્ષુ આત્માર્થી આત્માઓ પણ છેતરાઈ જાય છે.
પરમાત્મા શ્રી વીતરાગદેવની વાણીનો મનફાવતો અર્થ કલ્પીને પોતાના પક્ષને જ જમાવવાની વૃત્તિવાળા, નવા નવા મતો જ ઉભા કરવાની ભૂખવાળા, માન-મોભાની અને પ્રતિષ્ઠાની જ કેવળ ઘેલછા વાળા, પાંચમા આરાના બહાના હેઠળ, સંઘયણબળની હાનિના બહાના હેઠળ, અથવા ગીતાર્થ જ્ઞાનીઓના વિરહના બહાના હેઠળ સ્વમતિકલ્પના પ્રમાણે આગમ વિરુધ્ધ શાસ્ત્રોના અર્થો કરીને ઉપદેશ આપનારા અને બહારથી બોલવાની ક્રિયામાં બહુ જ છટાવાળા કેટલાક ગુરુઓ હોય છે. તેઓની બાહ્ય આડંબરવાળી પ્રક્રિયામાં આત્મ-કલ્યાણના સાચા અર્થી, ભદ્રિક અને તત્ત્વના અજ્ઞાની આ આત્માઓ ફસાઈ જાય છે.
કામાન્ધ આત્માઓની વિષયભોગ કરવાની તીવ્ર ઈચ્છાને જેમ વાસના કહેવાય છે, કે જે વાસના કામાન્ય પુરુષને વિવેકશૂન્ય બનાવે છે. તેવી જ રીતે પોતાના પક્ષની જમાવટનો અને માન-મોભા આદિનો તીવ્રભાવ જેમાં વર્તે છે. તેવા આત્માઓની સૂત્ર-વિરુદ્ધ કલ્પના અને પ્રરૂપણા કરવાની અને ભદ્રિક જીવોને તેમાં ફસાવવાની જે મેલી મુરાદ હોય છે તેને પણ વાસના જ કહેવાય છે કે જે વાસના તે ગુરુઓને વિવેકશૂન્ય બનાવે છે.
સંસારસાગર તરવાની મહેચ્છાથી વૈરાગ્યવાસિત હૃદયવાળા ભદ્રિક જીવો મોક્ષસાધનાના ઉપાયભૂત ગુરુજીની શોધમાં ફરતા હોય છે અને આવા કુગુરુઓ પોતાનો સમુદાય વધારવાની અને મોટાઈની ભૂખમાં શિકાર શોધતા ફરતા હોય છે. તેવામાં જેમ હરણ શિકારીઓની જાળમાં ફસાઈ જાય તેમ આવા ભદ્રિક આત્માર્થી આત્માઓ પણ કુગુરુઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org