________________
સમ્યક્ત્વનાં છ સ્થાનોનાં નામો
૧૩
મિથ્યાત્વી તો છે જ, પરંતુ આવા પ્રકારના ગાઢ મિથ્યાત્વના કારણે તે જીવ અતિશય અવિનીત છે અર્થાત તત્ત્વજ્ઞાનીઓ પ્રત્યે અને સર્વજ્ઞ મહાત્માઓ પ્રત્યે અવિનીત ભાવવાળો આ જીવ છે. કારણ કે પોતપોતાના વિચારોનો અતિશય હઠવાદ-આગ્રહ હોય છે. જે ઉંડા કૂવા તુલ્ય છે. આવા વિચારો આ જીવને ડૂબાડનારા છે. જીવનું અકલ્યાણ કરનાર છે.
(૧) શરીરથી જીવ ભિન્નપણે ક્યાંય દેખાતો નથી. શરીરમાંથી નીકળતો કે પ્રવેશ પામતો પણ દેખાતો નથી માટે જીવ જેવું કોઈ દ્રવ્ય નથી. આ પ્રથમ મિથ્યાત્વનું સ્થાન. (૨) કોઈ કોઈ વાદી એમ માને છે કે શરીરથી જુદો જીવ છે. પરંતુ તે જીવ જન્મથી મરણ પર્યંત જ રહે છે. અનાદિ-અનંત એવો નિત્ય નથી. જન્મે ત્યારે ચેતનામય જીવ શરૂ થાય છે અને મૃત્યુકાળે જીવ સમાપ્ત થાય છે, એટલે અનિત્ય છે. પરંતુ નિત્ય નથી. આ મિથ્યાત્વનું બીજું સ્થાન. (૩) આત્મા છે અને નિત્ય છે. આમ કેટલાક માને છે, પણ તે કંઈ કરતો નથી. સારા-નરસા કામો પ્રકૃતિ જ કરે છે, આત્મા કરતો નથી. આ આત્મા તો અકર્તા અને અભોક્તા છે. તેથી પુણ્ય-પાપનો આ જીવ કર્તા નથી. (૪) તથા આ જીવ પુણ્ય-પાપના ફળનો ભોક્તા પણ નથી. (૫) તથા કોઈ કોઈ દર્શનકાર એમ માને છે કે આ જીવ સારા કાર્યો કરીને પુણ્ય બાંધીને સંસારસુખ ભોગવનાર બને છે અને ખરાબ કાર્યો એટલે કે પાપનાં કાર્યો કરીને દુઃખ ભોગવનાર બને છે. એટલે આ ચક્કરમાંથી તે બહાર નીકળી શકતો નથી માટે મોક્ષ નથી. (૬) અને કોઈ એમ માને છે કે મોક્ષ તો છે, પરંતુ તેના ઉપાયો ઘણા જ દુષ્કર છે. ઉપાયો અપનાવી શકાય તેવા નથી માટે મોક્ષ પામી શકાતો નથી. આમ મોક્ષના ઉપાયોનો અપલાપ કરે છે. આ ઉપરોક્ત યથાર્થ છ સ્થાનને ન માનનાર મિથ્યાત્વી તો છે, પરંતુ કોઈક ગાઢમિથ્યાત્વી હોય છે અને કોઇક મંદમિથ્યાત્વી હોય છે.