________________
6
પ્રસ્તુત ગ્રંથના પ્રકાશન પ્રસંગે અધ્યાત્મ યુગસૃષ્ટ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી', તભક્તરત્ન પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ‘ચંપાબહેન', ગુરુ ગૌરવ પુરુષાર્થમૂર્તિ પૂજ્ય નિહાલચંદ્ર સોગાનીજી’ તથા શાંતમૂર્તિ, ‘રાજહૃદય' ઓળખાવનાર એવા પૂજ્ય ભાઈશ્રી ‘શશીભાઈ’ના ચરણોમાં ભક્તિભાવપૂર્વક વંદન કરીએ છીએ.
પ્રસ્તુત ગ્રંથમાં પ્રકાશિત પ્રવચનોને સી.ડીમાંથી સાંભળીને સંપાદન કરવામાં આવેલ છે. ઘણા પ્રવચનોમાં રેકોર્ડિંગ ખરાબ હોઈ કાંક કાંક સ્પષ્ટ સંભળાતું નહિ હોવાથી ખાલી જગ્યા રાખવાવામાં આવી છે. પૂજ્ય ભાઈશ્રીના ભાવોનો પ્રવાહ યથાવત જાળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તેમ છતાં ક્યાંક ભૂલ રહી ગઈ હોય તો એ સત્પુરુષોની તથા જિનવાણી માતાની હૃદયપૂર્વક ક્ષમા યાચીએ છીએ. ત્યારબાદ આ પ્રવચનોને બીજા મુમુક્ષુ દ્વારા ફરીથી તપાસવામાં આવે છે અને પછી જ પ્રેસ ઉપર મોકલવામાં આવે છે.
સળંગ પ્રવચનો ‘ભાવનગર' જિનમંદિરમાં ચાલ્યા છે, આશરે પ૦ પ્રવચનોમાં પૂર્ણ થતા આ ગ્રંથના પ્રવચનોના લગભગ ૧૮ ભાગ પ્રકાશિત કરવાની ભાવના છે. પ્રસ્તુત ગ્રંથમાં જે પત્રો ઉપરના પ્રવચનો તે શૃંખલામાં નહિ હોવાથી ત્યારબાદ પાછળથી બીજે સ્થળે તે જ પત્ર ઉપરના પ્રવચનો ચાલ્યા હોય તો ત્યાં તે પ્રવચનો લેવામાં આવેલ છે. જે પ્રવચનો હિન્દીમાં ચાલેલા છે તેની માત્ર લિપી ગુજરાતી કરીને લેવામાં આવ્યા છે. બહારગામ ચાલેલા પ્રવચનનોનું સ્થળ-નિર્દેશન જે તે પ્રવચનના મથાળામાં આપવામાં આવેલ છે.
ગ્રંથના પ્રકાશન કાર્યમાં જે જે મુમુક્ષુઓનો સહકાર પ્રાપ્ત થયેલ છે તેમનો આભાર માનવામાં આવે છે. ગ્રંથ પ્રકાશનાર્થ પ્રાપ્ત દાનરાશિનો ઉલ્લેખ અન્યત્ર આપવામાં આવેલ છે તે સર્વનો પણ આભાર માનવામાં આવે છે. ગ્રંથના સુંદર ટાઈપ સેટિંગ માટે પૂજા ઇમ્પ્રેશન્સ’નો તથા સુંદર મુદ્રણ કાર્ય માટે મે. ભગવતી ઑફસેટ'નો આભાર માનવામાં આવે છે.
અંતતઃ ‘રાજહૃદયમાંથી પ્રવાહિત આ અવિરત અમૃત સરવાણીને પીને પ્રત્યેક જીવ શાશ્વત સુખને પ્રાપ્ત થાય એવી ભાવના સાથે વિરામ પામીએ છીએ.
તા. ૧૦-૧૧-૨૦૧૧
(કાર્તિકી પૂર્ણિમા ‘શ્રીમદ્ રાજચંદ્ર' જન્મજયંતી દિવસ)
ટ્રસ્ટીગણ
વીતરાગ સત્સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ
ભાવનગર