________________
જતાં અને આવતાં યાત્રાળુઓને ત્રાસ આપતો હતો. આથી એક સંત પુરુષે તપ અને ધ્યાન દ્વારા અંબિકાદેવીને હાજરાહજૂર થવા વિનંતી કરી અને જણાવ્યું કે હિંગુલ રાક્ષસ યાત્રાળુઓને હેરાન કરે છે. તેથી તેને દૂર કરવો જોઇએ. અંબિકા દેવીએ રાક્ષસ સાથે યુદ્ધ કરીને તેનો પરાભવ કર્યો. રાક્ષસ મૃતઃપ્રાય દશામાં આવી ગયો અને દેવીના પગે પડીને પ્રાર્થના કરી કે હવેથી તે કોઇને પણ કનડગત નહિ કરે, પણ શ્રી શત્રુંજય તીર્થ ક્ષેત્રમાં તેની સ્થાપના થાય તેવું દેવીએ કંઈ કરવું જોઇએ. દેવીએ તેની માગણી માન્ય રાખી તેથી આ જગાનો હિંગળાજ નામથી ઉલ્લેખ કરવો તેમ જણાવ્યું. ત્યારથી આ સ્થળ હિંગળાજના હડા તરીકે ઓળખાય છે.
એમ કહેવાય છે કે આ બનાવ તો કરાંચી નજીકના ડુંગરોમાં બન્યો હતો, પણ સૌરાષ્ટ્રના લોકો અંબિકાદેવીને અધિષ્ઠાત્રી દેવી માને છે. તેથી અહીં સિદ્ધાચળની ટેકરી ઉપર તેમને સ્થાપિત કર્યાં અને તે સ્થાનને હિંગળાજના હડાનું નામ આપ્યું.
આથી આગળ જતાં પદ્માવતી દેવીની ટૂંક આવે છે. એની પ્રતિષ્ઠા કરાવનાર સાધુ શ્રી પૂજી યાને ગોરજી હતા. એટલે એને શ્રી પૂજીની ટૂંક પણ કહેવામાં આવે છે. અહીંથી આગળ જતાં, બે રસ્તા આવે છે. એક રસ્તો નવટુંક તરફ જાય છે અને બીજો રસ્તો દાદાની ટૂક તરફ જાય છે.
જૈન શાસ્ત્રો આ તીર્થને શાશ્વત માને છે. વળી તેનું પ્રાગઐતિહાસિક સમયમાં પણ અસ્તિત્વ હતું તેમ માને છે, છતાં તેનો ઈતિહાસ તો અગિયારમી સદીથી મળે છે. પ્રથમ મંદિર અગિયારમી સદીમાં બાંધવામાં આવ્યું હતું. અને ત્યારથી મંદિરોના નિર્માણનું કામ શરૂ થયું. આજે તો સેંકડો મંદિરો છે અને તેના તીર્થાધિપતિ ભગવાન આદિનાથના મુખ્ય મંદિર ઉપરાંત નીચે મુજબ નવ ટૂકા યાને ટોચો ઉપર પણ વિવિધ મંદિરો આવેલાં છે.
શેઠ નરસી કેશવજીની ટૂક : તેના પર શેઠ નરસી કેશવજી દ્વારા મંદિર બાંધવામાં આવ્યું હતું. તેની પ્રતિષ્ઠા વિક્રમ સંવત