________________
સ્થાપત્યકલા અને શિલ્પકળા સંપૂર્ણપણે અહીં વેરાયેલી છે. આ ઈમારતોમાં વેરાયેલો શણગાર અને છતો, કારો, સ્તંભો, ભીંત, તકતીઓ (પેનલ્સ) અને ગોખલાઓ ઉપર કરેલા શણગારનું ઝીણવટભર્યું કોતરકામ ઉત્તમ કોટિનું અને અજોડ છે. આરસપહાણને અતિશય પાતળા, પારદર્શક અને નાજુક બનાવીને તેની ઉપર કરેલ કોતરકામ બીજે કોઈ સ્થળે ભાગ્યે જ જોવા મળે છે. કોઈ કોઈ સ્થળે કરેલી નકશી સ્વપ્રમાં દેખાતી સુંદરતા જેવી લાગે છે.”
"આ મંદિરોની તેના અંદરના ભાગ અને પરસાળ યાને ગેલેરી સહિતની સામાન્ય રૂપરેખા સૂર્યની ગતિની સાથે સાથે તડકો છાંયડો ફેલાવી ઘણી આકર્ષક અસર ઉપજાવે છે.”
"મંદિરના સ્થાપકો લખલૂટ ખર્ચ કરવા તૈયાર હતા, એટલે સ્થપતિઓએ આ મંદિરો બાંધવામાં તેમના આત્માનો અને બુદ્ધિનો સંપૂર્ણપણે ઉપયોગ કરીને જાતજાતની રૂપરેખાઓ બનાવી મંદિરના એકે એક ભાગ ઉપર સુંદર કોતરકામ કરી તેમની શિલ્પકળાને સોળે કળાએ ખીલવી છે.”
પહેલું મંદિર જે જૈન તીર્થંકર આદિનાથને અર્પણ કરવામાં આવ્યું છે, તે ઈ.સ. ૧૦૩૨માં ત્યારના ગુજરાતના ચાલુક્ય રાજા ભીમદેવ પહેલાના મંત્રી વિમળશાહે બંધાવ્યું હતું, એમ મંદિરના એક લેખ પરથી નક્કી થાય છે. તેને વિમલવસહી કહે છે. એમ કહેવાય છે કે મંદિર બાંધવામાં(૧૮,૫૬,૦૦,૦૦૦) અઢાર કરોડ છપ્પન લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો અને તે બાંધવામાં ચૌદ વર્ષનો સમય લાગ્યો હતો. તેમાં પંદરસો મજૂરો અને બારસો શિલ્પીઓ અને કારીગરો કામ કરતા હતા.
મંદિરના કેન્દ્રમાં આવેલ ગુંબજ, તેને ફરતી કિનારી અને વિપુલ કોતરકામ કરેલ ઝુમ્મર આખા મંદિરની ઈમારતમાં સૌથી વધુ ધ્યાનાકર્ષક છે. કોતરકામની સૂક્ષ્મતા ઉત્કૃષ્ટ છે, અને આખું દ્રશ્ય જીવંત અને ગતિશીલ લાગે છે.