________________
દિગંબર પંથી જૈનોની માન્યતા પ્રમાણે શ્રી વાસુપૂજ્યનો જન્મ ફાગણ સુદ ચૌદસ ના રોજ થયો હતો. અને મહા વદ પાંચમને દિવસે તેઓ મોલે સિધાવ્યા હતા. વળી તેમની માન્યતા મુજબ શ્રી વાસુપૂજ્યનાં બે કલ્યાણક દીક્ષા અને મોક્ષ ચંપાપુરીથી પિસ્તાલીસ કિલોમીટરના અંતરે આવેલ મંદારગિરિમાં થયાં હતાં.
ચંપાપુરી બિહારમાં આવેલ ભાગલપુર સ્ટેશનની નજદીક ગંગા નદીના કિનારે આવેલ ચંપાનાળાથી છ કિલોમીટરના અંતરે આવેલું છે. તેને ચંપાનગર પણ કહે છે. પ્રાચીનકાળમાં આ નગર માઈલો સુધી ફેલાયેલું હતું. મંદારગિરિ તેનો એક ભાગ હતો. ત્યારે તે અતિસમૃદ્ધ અને વૈભવશાળી નગર હતું. વળી મગધ નરેશ શ્રી ઐણિક યાને બિંબસારના પુત્ર અજાતશત્રુના રાજ્યકાળમાં પણ તે એક અતિ મનમોહક અને સમૃદ્ધ નગર હતું.
જૈનોની માન્યતા પ્રમાણે બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય ઉપરાંત આ ભૂમિને પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ, ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ અને ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીએ પાવન કરી હતી અને ધર્મોપદેશ આપ્યો હતો મહાવીર સ્વામીએ તો ઘણીવાર ઉપદેશ આપી સમવસરણ પણ રચાવ્યાં હતાં.
ભગવાન મહાવીરના પરમ ભક્ત શ્રાવક કામદેવ, શ્રી સુદર્શન શેઠ, મહારાજ શ્રીપાલ અને સતી ચંદનબાળાની આ જન્મભૂમિ છે. શૂળીનું નવકારમંત્ર દ્વારા સિંહાસનમાં ફેરવાઈ જવું એ શેઠ સુદર્શનનો અલૌકિક પ્રસંગ અહીં જ બન્યો હતો. વળી દાનવીર કર્ણ, દધિવાહન, ઐણિકના પુત્ર અજાતશત્રુ વગેરે રાજાઓની આ રાજધાની હતી.
આમ ચંપાપુરીમાં બારમા તીર્થંકર વાસુપૂજ્યના પાંચે કલ્યાણક થયાં તે ઉપરાંત અહીં અનેક પ્રખ્યાત જૈન નરેશો, સાધુગણો અને શ્રેષ્ઠીગણો થઈ ગયા. વળી આ ભૂમિને શ્રી આદિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામીએ પાવન કરી અહીંથી દેશના આપી છે. આમ જૈનો માટે આ સ્થળ પવિત્ર અને પાવનકારી હોઈ તીર્થધામ બની ગયું છે.