________________
શ્રી ચંપાપુરી તીર્થ
જૈનોના બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્યનો જન્મ ચંપાપુરીમાં થયો હતો. તેમનાં પાંચેય કલ્યાણક-વન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને મોક્ષ અહીં ચંપાપુરીમાં થયાં હતાં. - આ એક જ એવું સ્થળ છે જ્યાં તીર્થંકરનાં પાંચેય કલ્યાણક થયાં હોય.
પુરાણ કાળમાં ભગવાન શ્રી વાસુપૂજ્યના પિતા શ્રી વસુપૂજ્ય અહીં રાજ્ય કરતા હતા.તેમને જયાદેવી નામે રાણી હતાં. આ રાણીની કૂખે શ્વેતાંબર પંથી જૈનોની માન્યતા પ્રમાણે મહાવદ ૧૪ના દિને એક પુત્ર રત્નનો જન્મ થયો. તે ભવિષ્યમાં બારમા તીર્થંકર વાસુપૂજ્ય તરીકે પંકાયા પિતાનું નામ વસુપૂજ્ય હોઈ, જન્મથી જ તેમનું નામ વાસુપૂજ્ય રાખવામાં આવ્યું હતું. | શ્રી વાસુપૂજ્ય યુવાવસ્થાએ પહોંચ્યા એટલે માતા પિતાએ લગ્ન માટે આગ્રહ કર્યો. તેઓ તો જન્મથી જ વૈરાગી હતા; આથી તેમને લગ્નનો ઈન્કાર કર્યો, અને આ સંસારને અસાર સમજી, અહીં ચંપાપુરીમાં જ દીક્ષા ગ્રહણ કરી સાધુપણું અંગીકાર કર્યું. દીક્ષા ગ્રહણ કર્યા પછી ઘણું તપ કર્યું, અને વિહાર કરતાં અહીં ચંપાપુરીમાં એક ઉદ્યાનમાં આવી વસ્યા. અહીં એક પાટલવૃક્ષ નીચે ધ્યાન આવસ્થામાં હતા ત્યારે તેમને કેવલજ્ઞાન થયું. કેવલજ્ઞાન પામ્યા પછી ઘણાં વર્ષો ધર્મોપદેશ આપતા રહ્યા, અને ધર્મોપદેશ દેતાં દેતાં અષાઢ સુદ ચૌદસના દિવસે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં ઘણા મુનિઓ સાથે મોક્ષે સિધાવ્યા.
અષાઢ સુદ ચૌદસના દિવસે અહીં એક મોટો મેળો ભરાય છે, ત્યારે લાડુ ચઢાવવામાં આવે છે. ત્યાં એક મંદિર છે. મંદિરમાં ભગવાન વાસુપૂજ્યનાં પાંચ કલ્યાણકોની સ્મૃતિમાં જુદી જુદી જગ્યાએ પણ પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. તેને વાસુપૂજ્ય જિનાલય કહે છે. તેમાં ભગવાન વાસુપૂજ્યની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.