________________
ગાંધીની હાકલને માન આપીને તેઓ ફરીથી કોંગ્રેસમાં જોડાયા. ઈ.સ. ૧૯૭૨ થી ૬ વર્ષ સુધી મુંબઈ પ્રદેશ કોંગ્રેસ કમિટિના મહામંત્રી તરીકે સેવાઓ આપી. તેઓ મુંબઈની જીલ્લા કોંગ્રેસના પ્રમુખ બન્યા. અખિલ ભારત કોંગ્રેસ સમિતિના તેઓ ચૂંટાએલા સભ્ય હતા.
ડૉ. બાલિગાના નેતૃત્વ હેઠળ સ્થપાએલી (હવે ભૂતપૂર્વ) સોવિયેત સંઘ સાથેની મૈત્રી સંસ્થા, ઈન્ડો સોવિયેત કલ્ચરલ સોસાયટીની મુંબઈ શાખા સાથે તેઓ પ્રારંભથી જ સંકળાએલા હતા ઈ.સ. ૧૯૬૧થી તેઓ આ સંસ્થાના મહામંત્રી બન્યા. તે પછી ઉપપ્રમુખ પદ અને અધ્યક્ષપદ શોભાવ્યું. હાલમાં તેઓ અખિલ ભારત શાંતિ. અને ઘનિષ્ઠતા સંગઠનની મુંબઈ શાખાના પ્રમુખ છે.
ઈ.સ. ૧૯૬૯ના ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં સોવિયેત સંઘની એક હોસ્પિટલમાં તેમને ઉપચાર માટે સાત અઠવાડિયા રાખવામાં આવ્યા હતા. આ હોસ્પિટલની તબીબી નિપૂર્ણતાનું વર્ણન કરતું સોવિયેત હોસ્પિટલની મારી ડાયરી અને બીજા લેખો નામક પુસ્તક તેમણે લખ્યું. સોવિયેત દેશ તરફથી અપાતા નહેરૂ પારિતોષિક માટે આ પુસ્તકને વિશેષ ઈનામ મળ્યું.
‘ભારત છોડો' આંદોલનમાં ભોગવેલા કારાવાસ વિષે, ૪૨ની લડતના સંસ્મરણો' નામક પુસ્તક લખ્યું. આ પુસ્તકનું ડૉ. શંકરદયાલ શર્માના વરદ હસ્તે વિમોચન મુંબઈમાં કરવામાં આવ્યું હતું.
વકીલાતના વ્યવસાયમાં તેમને થએલા અનુભવોનું આલેખન કરતું પુસ્તક, "વકીલાતના મારા અનુભવો” નામક પુસ્તક, જુવાન વકીલો માટે આચાર સંહિતા સમી માર્ગદર્શિકા છે. મૌલાના અબુલ કલામ આઝાદે “ભારતની સ્વાતંત્ર્ય પ્રાપ્તિ” – "ઈન્ડિયા વીન્સ ફ્રીડમ”, નામક તેમના પુસ્તકમાં, સરદાર વલ્લભભાઈ વિષે કરેલા વિસંગત અને વિવાદાસ્પદ વિધાનોનું ખંડન કરતી અંગ્રેજી તેમજ ગુજરાતીમાં બે પુસ્તિકાઓ લખી છે.
અણુયુધ્ધના ખતરા સામે વિશ્વશાંતિનું જતન ક૨વા માટે શરૂ થએલી નિઃશસ્ત્રીકરણની પ્રક્રિયાની વિશદ છણાવટ કરતું, "Peace is Possible" - "શાંતિ શક્ય છે” નામક અંગ્રેજી પુસ્તક પણ તેમણે લખ્યું છે.
હવે ભારતમાં "જૈનધર્મનાં મહત્ત્વનાં તીર્થધામો" દ્વારા ગુજરાતના પ્રવાસ સાહિત્યમાં તેઓ એક નવું સીમાચિહ્ન ઉમેરે છે.