________________
પનિહારીઓ માથે બેડાં મૂકી પાણી ભરવા આવે છે. પનઘટ તથા પનિહારીઓનું આ દ્રશ્ય પણ ઘણું આકર્ષક છે. અનેક કવિઓએ એ દ્રશ્યને કાવ્યોમાં ઉતારેલ છે. પનિહારી” નામે પ્રસિદ્ધિ પામેલ કાવ્ય લખવાની પ્રેરણા કવિને આ સ્થળેથી મળી હશે તેમ માની શકાય. ગડીસાગર સરોવરથી આગળ આવતાં કિલ્લાના બુરજો અને કિલ્લાની મધ્યમાં આવેલાં પાંચ સાત મંદિરોના ઊચ્ચ શિખરો પર્યટકને જેસલમેર વિશે કુતૂહલતાથી ભરી દે છે અને જેસલમેર જોવાની ઉત્સુકતા વધારી મૂકે છે.
કિલ્લો : કિલ્લાના પ્રથમ વારમાં પ્રવેશ કરતાં જ એક સાત માળનો મહેલ નજરે પડે છે. આ મહેલ છત્રીના આકારની છતોવાળા મજબૂત મકાનોનો બનેલો છે. તેમાં ઉત્કૃષ્ટ પ્રકારના કોતરકામથી શણગારાયેલા ઝરૂખાઓ અને ગુંબજો છે. રંગમહેલ, સર્વોત્તમ વિલાસ, ગજવિલાસ, ઝનાના મહેલ, મોતી મહેલ આદિ મહેલો આવેલા છે. તેમાં ઝરૂખાઓ ઉત્તમ પ્રકારની કારીગરીના નમૂનાઓ છે. તેમાં જેને સતીઓની સીડીઓ કહે છે તે સીડીઓ પણ આવેલી છે. જ્યાંથી બહાદુર રજપૂતાણીઓએ પોતાના સ્વમાન અને ઈજ્જતની રક્ષા કરવા માટે જોહર કરી જીવનની આહુતિ આપી હતી. આ સતીઓની સીડી પાછળ એક જૈસલ નામે કૂવો આવેલો છે. દંતકથા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ તેમના સુદર્શન ચક્ર દ્વારા આ કૂવો ખોદ્યો હતો. ત્યાંથી થોડે દૂર ૧૪મી સદીમાં બંધાયેલા લક્ષ્મીનાથજી અર્થાત ભગવાન વિષ્ણુનું મંદિર આવેલું છે. તેની બાજુમાં શિવ વિષ્ણુનું મંદિર આવેલું છે. તેની બાજુમાં શિવ અને ગણેશના મંદિરો છે. ઊંચા પહાડો પર બાંધેલ જેસલમેર, નગરનો વિશાળ કિલ્લો, પીળા પત્થરોથી બનાવેલો છે. સવારના સૂર્યોદય સમયે આ પીળા પત્થરો પર પડતાં સૂર્યનાં કિરણો એટલા આકર્ષક લાગે છે કે આ નગરી જાણે સોનાની નગરી ન હોય તેવો ખ્યાલ આપે છે. આની ગૌરવ ગરિમાનું સુંદર વર્ણન સાહિત્યકાર શહીદ સાગરમલજીએ નીચેની પંક્તિઓમાં કર્યું છે.
S