________________
જૈન મંદિરો :- ઈસવીસનની ૧૨મીથી પંદરમી સદીમાં જેસલમેરના સુવર્ણયુગમાં ખરતર ગચ્છના શ્રી શ્વેતાંબર જૈન ધર્મીઓની બાલબાલા હતી ને તેઓ ઉન્નતિ અને સમૃદ્ધિના શિખરે હતા. રશિયા અફધાનિસ્તાન, ભાવલપુર, સિંધ અને ચીન વગરે દેશોથી આવતું અનાજ, સૂકોમેવો, ચાંદી, અફીણ વગેરે ધંધાઓ ઉપર તેઓનો કાબૂ હતો અને તેમાં અઢળક ધન કમાતા હતા. ત્યારે આ પંથના લગભગ ૨૭૦૦ કુટુંબો જેસલમેરમાં વસતાં હતાં. તેમાંનાં ધણા કુટુંબો અતિસમૃદ્ધ અને સંપત્તિવાન હતાં. આ જૈન શ્રેષ્ઠીઓએ જેસલમેરમાં માત્ર મોટી મોટી હવેલીઓજ બાંધી ન હતી પણ કિલ્લામાં અને કિલ્લાની બહાર ધણા વિશાળ, ભવ્ય અને કલાત્મક જૈન મંદિરો અને ઉપાશ્રયો પણ બંધાવ્યા હતાં, અને જ્ઞાન ભંડારો વસાવ્યા હતા. આજે પણ કિલ્લામાં અને શહેરમાં મળી કુલ ૧૩ મંદિરો અને ૧૯ ઉપાશ્રયો છે અને સાત જ્ઞાન ભંડારો છે. ઉપરોક્ત તેર મંદિર પૈકી, મહત્ત્વના ત્રણ મંદિરો કિલ્લામાં આવેલાં છે. બાકીના શહેરમાં છે. પણ આ બધાં જ મંદિરો ઊંચા ઊંચા શિખરો અને ગુંબજોવાળા વિશાળ મંદિરો છે. આ વિશાળ મંદિરો ઉપાશ્રયો અને જ્ઞાન ભંડારોને કારણે આજે પણ જેસલમેર શ્વેતાંબર જૈનોનું એક મહત્ત્વનું અને મહાન તીર્થંધામ માનવામાં આવે છે. જેમ હિન્દુઓ બદ્રિકાશ્રમની યાત્રા વિના યાત્રાને અધૂરી માને છે તેમ જૈનો પણ જેસલમેરથી સાત કિલોમીટરના અંતરે આવેલ લોદુ૨વાજી યાને લોઢુવા અને જેસલમેરની યાત્રા કર્યા વિના, તેમણે કરેલ તીર્થ યાત્રાઓને અધૂરી માને છે. દર વર્ષે હજારોની સંખ્યામાં જૈનો, સંઘ કાઢીને અહિં યાત્રા કરવા આવે છે.
અહિંના જૈન મંદિરોમાં ઉત્કૃષ્ટ પ્રકારની શિલ્પકળા અને સ્થાપત્ય કલાનાં દર્શન થાય છે. સલાટો અને શિલ્પીઓએ પોતાની હથોડી અને છીણી વડે આ મંદિરો બંધાવનારની હાર્દિક ભાવનાઓને અહિંના પીળા પત્થરોમાં મૂર્ત સ્વરૂપ આપીને ભક્તિ અને કલાનો સમન્વય સાધ્યો છે.
કિલ્લાના મંદિરોમાં પ્રથમ મંદિર જૈનોના ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુનું મંદિર છે. અહિં પ્રસ્થાપિત કરવામાં આવેલી મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા મૂળ લોઢુવાના મંદિરમાં
૯૫