________________
હસ્તલિખિત ગ્રંથોના સંગ્રહની દ્રષ્ટિએ પણ વિશ્વ વિખ્યાત છે. અહિં કુલ સાત જ્ઞાન ભંડારો છે. તેમાં પ્રાકૃત, માગધી, સંસ્કૃત, અપભ્રંશ અને વ્રજ વગેરે ભાષાનાં પુસ્તકો છે. વળી તેમાં જૈન સાહિત્ય ઉપરાંત વૈદિક સાહિત્ય, બૌદ્ધ સાહિત્ય, ન્યાય, અર્થશાસ્ત્ર, કોશ, વૈદ્યક, જ્યોતિષ દર્શન, સાંખ્ય, મમાંસા, વૈશેષિક વગેરે ભારતીય દર્શન તથા કાવ્ય, અલંકાર, છંદ, નાટક, કથા, આખ્યાયિકા, કોશ, વ્યાકરણ વગેરે વિષયોને લગતાં અનેક ગ્રંથો છે, જેમાં જૈન ધર્મનું ભગવતી સુત્ર, નૈષધચરિત્ર, મહાકાવ્ય, નાગાનંદ નાટક, અનધ રાધવનાટક, વેણીસંહાર નાટક, સ્વપ્ર વાસવદત્તા, ભગવદ્દગીતા ભાષ્ય, પાંતજલિ યોગદર્શન, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, શૃંગાર મંજરી, કાવ્ય મીમાંસા, વગેરે કેટલાંક મુખ્ય પુસ્તકો ગણાવી શકાય.
ભારતમાં જ્યારથી સંશોધન કાર્ય શરૂ કરવામાં આવ્યું ત્યારથી જેસલમેર સંશોધન કરનારાઓનું એક મહત્ત્વનું કેન્દ્ર બની ગયું છે. શ્રી કર્નલ ટોડ, ડૉ બુલ્ડર, ડૉ હોર્મન જે કૉબી, ડૉ. ટીસે ટોરી, પંડિત હિરાલાલ હંસરાજ, શ્રી ચીમનલાલ દલાલ, ડૉ ભાંડારકર, ડૉ ભગવાનદાસ, પંડિત લાલચંદ ગાંધી, શ્રી જિનવિજ્યજી, શ્રી પુણ્ય વિજ્યજી વગેરે કેટલાક જાણીતા વિદ્વાન સંશોધકોએ આ પ્રાચીન ગ્રંથોના ભંડારોનું અલગ અલગ દ્રષ્ટિથી અવલોકન કર્યું છે.
આ ભંડારોમાં શ્રી જિનભદ્રસૂરિ જ્ઞાન ભંડાર એ મુખ્ય ભંડાર છે. દુશમનોના આક્રમણ વખતે શ્રી જિનભદ્રસૂરિજી મહારાજે જેસલમેરના કિલ્લામાં આવેલ શ્રી સંભવનાથ જીનાલયના ભોંયરામાં કેટલીક તાડપત્રી પર પાંડુલિપિમાં લખેલી હસ્તલિખિત પુસ્તકો તેમજ કાગળ પર લખેલા અમૂલ્ય ગ્રંથોનો ખંભાત, અણહિલપુર પાટણ વગેરે જગ્યાએથી લાવીને અહિં સુરક્ષિતા અર્પીને નાશ થતા બચાવ્યા હતા. એમના નામ ઉપરથી આજે પણ આ ભંડાર જીનભદ્રસૂરિજ્ઞાન ભંડાર તરીકે જાણીતો છે. જેસલમેરનો આ ભંડાર ભારતના આવા ભંડારોમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.