________________
જેસલમેર ઃ જેનોનું છેવટનું યાત્રાધામ
જેસલમેર થર રણના અંતમાં હિન્દના વાયવ્ય ભાગમાં સરહદ પર આવેલું, એની બેનમૂન સ્થાપત્ય અને શિલ્પકલા માટેનું એક મશહૂર શહેર છે. રણની સરહદ પર આ આવેલ શહેરમાં પર્યટકોના મનને જે મોહિત કરે છે તે તેનો ભવ્ય વિશાળ કિલ્લો, તેમાં આવેલી પીળા પત્થરની મહેલાતો અને હવેલીઓ, તેના બેનમૂન કોતરકામવાળા ઝરૂખાઓ, મંદિરો અને સરોવરો. આ શહેરને ઈ.સ. ૧૧૫૬માં યાદવ રાજપૂત રાજા રાવલ જૈસલસિંગે બંધાવ્યું હતું. તેના નામ ઉપરથી તેનું નામ જેસલમેર પાડવામાં આવ્યું.
જોધપુર - જેસલમેરની મીટરગેજ રેલ્વે ઉપર આવેલું તે છેલ્લું સ્ટેશન છે. મૂળ જેસલમેર, ત્રણ માઈલની ફરતી દીવાલમાં વસેલું હતું. આથી તેને કિલ્લાનગર પણ કહેવામાં આવતું. ચિતોડગઢ પછીનો આ બીજો જૂનામાં જૂનો કિલ્લો છે, તે ત્રિકુટ ટેકરીની ઉપર જમીનથી લગભગ ૨૫૦ ફૂટની ઊંચાઈએ બાંધવામાં આવ્યો છે. કિલ્લાને ફરતી પંદર ફૂટ ઊંચાઈની પત્થરની મજબૂત દીવાલો છે. કિલ્લાની અંદર જૂના મહેલો, જૈન અને વૈષ્ણવ ધર્મના મંદિરો અને કેટલાંક ધરો આવેલાં છે. ગઢને ફરતી ત્રણ ત્રણ દિવાલો છે તેમાં નવ્વાણું બુરો છે, જે યુદ્ધના સમયમાં બચાવ માટે ઘણા ઉપયોગી હતા. આ કિલ્લામાંથી રત્ના નામે રાજકુંવરી, અલ્લાઉદ્દીન ખિલજીના લશ્કર સાથે બાર વર્ષ સુધી લડી હતી. ગઢના દરવાજા સૂરજ પોળ, ગણેશ પોળ અને હવા પોળના નામથી ઓળખાય છે.
કિલ્લાની ગગનચુંબી ઊંચાઈ અને વિશાળતા પર્યટકને જેસલમેર પહોંચતા પહેલાં દૂરથી જ મોહિત કરી દે છે. નગરની બહાર વિશાળ પાળવાળું ગડીસાગર નામનું સરોવર છે. સરોવર પર