________________
મંદિરના ગર્ભગૃહમાં જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાનની પદ્માસનસ્થ પ્રતિમા છે. મૂર્તિને અતિ કીમતી આભૂષણોથી શણગારેલી છે. મંદિરના સભાખંડમાં અડતાલીસ (૪૮) સુંદર કોતરણીવાળા સ્તંભો છે અને ગુંબજોમાં સુકોમળ પ્રતિમાઓ કંડારેલી છે. મુખ્ય મંદિરને ફરતા નાનાં નાનાં બાવન મંદિરો છે. જેમાં જુદા જુદા જૈન તીર્થકરોની મૂર્તિઓ પ્રસ્થાપિત કરેલી છે. જૈન ધર્મમાં આને બાવન જિનાલય મંદિર કહેવામાં આવે છે. આ બાવન મંદિરના દ્વારની બહારની છતો પણ ઉત્કૃષ્ટ પ્રકારના કોતરકામવાળી છે અને તેમાં હિંદુશાસ્ત્રોમાં લખેલી કથાઓના પ્રસંગો જેવા કે શ્રીકૃષ્ણ ગોપીઓની સાથે લીલા કરતા, ભગવાન વિષ્ણુના ચોથા અવતાર નરસિંહ, ગાંધર્વ યાને સ્વર્ગના સંગીતકારો વગેરેને કંડારવામાં આવ્યા છે.
આ વિમળવસહી મંદિરના સ્થાપત્ય અને શિલ્પકળા વિશે એક સ્થાપત્ય કલાભિષે કહ્યું છે કે "આ દેવળ તેના અણિશુદ્ધ નકશીકામથી પ્રેક્ષકને વિચારમાં ગરક કરી દે છે. તેના વિચારમાં આ મનુષ્યની કૃતિ હશે તેમ આવતું નથી. એ એટલા તો પૂર્ણ છે કે, તેમાં કંઈ ફેરફાર ન જ કરી શકાય. આ મંદિરનો સાધારણ નકશો અને યોજના ગિરનાર ઉપરનાં કે બીજા જૈન મંદિરો જેવા જ છે. વચમાં મુખ્ય મંદિર અને આસપાસ નાની દેરીઓ. મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર આગળ એક મંડપ છે અને આ મંડપની આગળ છ થાંભલાઓવાળો એક લંબચોરસ ઓરડો છે, જેમાં હાથી ઉપર વિમળશાહ પોતાના કુટુંબને મંદિર તરફ લઈ જાય છે. આ કલ્પના નવીન છે. ત્યાં હાથીઓનાં આરસ પહાણનાં સુંદર રીતે કોતરેલાં પૂતળાંઓ છે. તે કદમાં નાનાં પણ પ્રમાણસર છે. તેના ઉપર અંબાડી કોતરવામાં આવી છે. તેની શિલ્પકળા પણ આબેહૂબ છે.”
મંદિર અંદરથી સુશોભિત છતાં બહારથી સાદું લાગે છે. વિમાનનું શિખર પણ નીચું અને કઢંગુ છે. આબુના ડુંગર પર વારંવાર ધરતીકંપ થાય છે તેનો ખ્યાલ રાખીને સ્થપતિએ મંદિરને બહુ ઊંચું નહિ બાંધ્યું હોય તેમ માની શકાય, પણ અંદરના ભાગમાં ઉત્તમ પ્રકારનું નકશીકામ કરેલું છે. મંડપની ઉંચાઈ પ્રમાણસર છે અને તેમાં નકશીકામ અતિ