________________
વિશાળ ખંડો બાંધવામાં આવ્યાં છે. સામાન્યપણે આ સ્તંભોને ગણવા પણ મુશ્કેલ છે. સ્થપતિઓએ સ્તંભોની ગોઠવણી એવી વ્યવસ્થિત અને ગણતરીપૂર્વક કરી છે કે યાત્રાળુ અથવા પર્યટક મંદિરના ગમે તે ભાગમાં ઊભો રહે તો પણ તેને ગર્ભગૃહમાં પ્રસ્થાપિત મૂળનાયક આદિશ્વર ભગવાનની પ્રતિમાનાં દર્શન તો થાય જ. દરેક સ્તંભોની કોતરણી નિરનિરાળી અલગ પ્રકારની શિલ્પકળામાં કરવામાં આવી છે અને તે બેનમૂન છે. વળી સ્તંભો એક સરખા પણ નથી. કોઈ નાના છે તો કોઈ મોટા છે. કોઈ પાતળા છે અને કોઈ સાદા પણ છે. આટલી મોટી સંખ્યામાં સ્તંભો હોવા છતાં તેની ગોઠવણી અને અલગ અલગ શિલ્પકળાની કોતરણી જોઈને આશ્ચર્યચકિત થઈ જવાય છે. જ્યારે વિજ્ઞાન અને ટેક્નૉલોજીનો આટલો વિકાસ થયો ન હતો તે જમાનામાં સંપૂર્ણ કલામય રીતે બનાવેલા આ મંદિર ત્યારના સ્થપતિઓ અને શિલ્પકારો કેટલા ઉચ્ચ કોટિના હશે તેનો ખ્યાલ આપે છે.
આ મંદિર, આરસપહાણના પત્થરમાં બનાવેલું છે પણ આજે તે પત્થર સ્ફટિક જેવા સફેદ નથી લાગતા. પત્થર કંઈક કાળા પડતા લાગે છે. અસલ જ્યારે મંદિર બંધાવ્યું ત્યારે જ એવા પત્થર હશે કે સમયના જતાં પત્થરમાં કાળાશ આવી હશે તે કહેવું મુશ્કેલ છે પણ તેની સ્થાપત્ય અને શિલ્પકળા એટલી ઉત્કૃષ્ટ પ્રકારની છે કે મંદિર આટલું ઊંચું અને સમચોરસ હોવાં છતાં, તેમાં રહેલી સપ્રમાણતા આંખે ઊડીને વળગે તેવી છે.
આ મંદિરની ઊંચી ઊભણી પર કરવામાં આવેલી માંડણી, સ્થાપત્ય અને શિલ્પકળા, તેની વિશાળતા અને સપ્રમાણતા, તેની સમચોરસ ચતુર્મુખ બાંધણી અને તેની ચોરાસી દેવકુલિકાઓ જોતાં આ મંદિરને તાજમહાલ કરતાં પણ ઊંચે સ્થાને મૂકી શકાય. તાજમહાલ એક પ્રેમનું પ્રતીક છે. એક પ્રેમી શહેનશાહે તેની બેગમની સ્મૃતિમાં - એક રીતે કહીએ તો કારીગરો અને મજદૂરોના આંસુ અને પસીનાથી બાંધેલી ઈમારત છે. જ્યારે આ એક ભક્તહદયી ભક્ત વૈરાગ્યની ભાવનાથી બાંધેલી ઈમારત છે અને એના સ્થપતિએ એટલો જ ભક્તિભાવ રેડીને