________________
ભાગ્યે જ હશે." બાજુની નૈઋત્ય દિશાની ટેકરી ઉપર આવેલ દેડકાના આકાર જેવો ખડક "ટોડ રોક” ખરેખર વિશાળ દેડકા જેવો લાગે છે. આ તળાવ અડધો માઈલ લાંબુ છે. તળાવ ઘણું ઊંડું છે અને એમાં નાવડામાં બેસી સહેલ કરવાની વ્યવસ્થા છે. તળાવની ચારે બાજુએ પહેલાંના રાજા રજવાડાઓના અને બ્રિટીશ સરકારના જમાનાના ઓફિસરોના બંગલાઓ છે.
આબુના મંદિરો મહમદ ગઝનીએ સોમનાથ પર આક્રમણ કર્યું ત્યાર પછી લગભગ ઈ.સ. ૧૦૩૨થી ઈ.સ. ૧૨૩૨ના ગાળા દરમ્યાન બાંધવામાં આવ્યાં હતાં, પણ અલ્લાઉદ્દીન ખીલજીના આક્રમણ વખતે તેનું શિલ્પકામ તૈયાર થઈ ગયું હતું. તેણે આ મંદિરોમાં કંઈ ભાંગફોડ કરી હતી. પણ ત્યારના જૈન શ્રેષ્ઠીઓએ તરતજ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
ભારતમાં હિંદુ, જૈન, બૌદ્ધ, ઈસ્લામ વગેરેની ધર્મોની સ્થાપત્યકલા, શિલ્પકલા, અને ચિત્રકલાની શૈલીનું અલગ અલગ નિર્માણ થયું છે. તેમાં જૈન સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રકલા વિશિષ્ટ પ્રકારની છે. આ કલાના પ્રતીકો મોટે ભાગે જૈન મંદિરોમાં છે. તેમાં આબુના દેલવાડાનાં, જૂનાગઢમાં ગિરનાર ઉપરનાં, પાલીતાણામાં શત્રુંજય ઉપરનાં, રાણકપુર, કુંભારિયા, તારંગા, પાવાપુરી વગેરેનાં મંદિરો ગણાવી શકાય. આ બધાં જ મંદિરો આજે મોજૂદ છે.
આજે જૈન મંદિરો જેમાં નિયમિત પૂજા થાય છે તેની સંખ્યા લગભગ ૧૫૦૦૦ (પંદર હજાર) જેટલી છે. તે ભારતનાં બધાંજ રાજ્યોમાં આવેલાં છે. એમાં ૫૦૦૦ (પાંચ હજાર) મંદિરો સો વર્ષથી પણ વધારે પ્રાચીન છે. આ મંદિરોમાં જુદા જુદા પ્રકારની સ્થાપત્ય શૈલી છે. ઘણાં મંદિરો અજોડ શિલ્પ કળાથી શણગારાયેલાં છે. મોટે ભાગે બધાં મંદિરો આરસપહાણના બનાવેલાં છે. બધાં જ મંદિરોમાં સ્વચ્છતા ઊડીને આંખે વળગે તેવી છે, વળી જૈન તીર્થોમાં તેના બે પંથો શ્વેતાંબરો અને દિગંબરોના મંદિરોમાં પણ આ કળાની અલગ અલગ શૈલી છે. દિગંબર પંથના મંદિરો મોટે ભાગે દક્ષિણ ભારતમાં આવેલાં છે, જ્યારે