________________
સુંદર અને આકર્ષક છે, તેનો ઘૂમટ અષ્ટકોણાકારનો છે. મંડપમાં વચમાં ઊભા રહીને જોઇએ તો ચારેબાજુ શિલ્પકળા સોળે કળાએ ખીલી રહી હોય તેમ લાગે છે અને જે બારીકાઈથી કોતરકામ કરવામાં આવ્યું છે તે જોતાં શિલ્પીઓ આગળ આપણું માથું નમી પડે છે.
વિમળશાહે આ મંદિર એક જૈન આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિની પ્રેરણાથી બંધાવ્યું હતું, મંદિર માટે જે જગ્યા પસંદ કરી, તે શિવ અને વિષ્ણુના પૂજકોના હાથમાં હતી. વિમળશાહે પોતાની સત્તાનો ઉપયોગ ન કરતાં આ જગાના તેની ઉપર પથરાઈ શકે તેટલા સિક્કા આપી જમીન ખરીદ કરી હતી, અને તેના પર આદિનાથનું સુંદર મંદિર બંધાવ્યું હતું. તેમને આદિનાથની અઢાર ભાર પિત્તળની મોટી પ્રતિમા ઢળાવીને શ્રીધર્મઘોષસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી.
વિમળશાહ પાટણના જૈન પોરવાડ કુટુંબમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ વીર અને માતાનું નામ વીરમતિ હતું. વિમળશાહનો અભ્યાસ પુરો થતાં તેમના પિતાએ દીક્ષા લઈ ગૃહત્યાગ કર્યો હતો. આથી માતા તેમને લઈ પોતાના પિતાને ઘેર ગયાં. વિમળશાહ અચ્છા બાણાવળી હતા, આથી વિમળશાહનું મોસાળ ગરીબ હોવા છતાં પાટણના નગરશેઠે પોતાની દીકરી શ્રીદત્તાને તેમની સાથે પરણાવી હતી. તેમની કુળદેવી અંબામાતા હતાં. એમ કહેવાય છે કે અંબામાતાની કૃપાથી, દાટેલું ધન મળી આવ્યું અને એ પૈસાથી વિમળશાહે પોતાનાં લગ્ન કર્યા અને પાટણમાં રહેવાનું શરૂ કર્યું. તેમની બાણ વિદ્યાથી ગુજરાતના રાજા ભીમદેવ પણ ખુશ થયા અને તેમને મંત્રીપદે સ્થાપિત કર્યા. વિમળશાહમાં આ સિવાય એક બહાદુર યોદ્ધાના અને ચાલાક મુત્સદ્દીગીરીના ગુણો પણ હતા. ધીમે ધીમે તેમને એટલી સત્તા વધારી હતી કે ભીમદેવને પણ વિમળશાહનું સ્વતંત્ર રાજાપણું સ્વીકારવું પડ્યું હતું.
બીજું મંદિર ઈ.સ. ૧૨૩૧ની સાલમાં ત્યારના ગુજરાતના રાજા વિરધવલના બે મંત્રીઓ વસ્તુપાલ અને તેજપાલે બંધાવ્યું હતું. વસ્તુપાલ તેજપાલ બન્ને ભાઈઓ હતા. આ મંદિર જૈનોના બાવીસમા તીર્થંકર નેમનાથને અર્પણ કરવામાં આવ્યું છે. શિલ્પીઓએ આરસને એટલી